દોઢ વર્ષ પછી સોનિયા ગાંધીના પુત્રની કસોટી

16 November, 2012 06:42 AM IST  | 

દોઢ વર્ષ પછી સોનિયા ગાંધીના પુત્રની કસોટી



કૉન્ગ્રેસમાં રાહુલ ગાંધીને મોટી ભૂમિકા સોંપવાનો સંકેત આપતાં ગઈ કાલે પાર્ટીએ સોનિયા ગાંધીના પુત્રને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે કૉન્ગ્રેસનું સુકાન સોંપવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીને લોકસભાની આગામી ચૂંટણી માટે કૉન્ગ્રેસની કો-ઑર્ડિનેશન પૅનલના નેતા બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના વડપણ હેઠળની આ કો-ઑર્ડિનેશન પૅનલના અન્ય સભ્યોમાં એહમદ પટેલ, જનાર્દન દ્વિવેદી, દિગ્વિજય સિંહ, મધુસૂદન મિસ્ત્રી અને જયરામ રમેશનો સમાવેશ છે.

લોકસભાની ચૂંટણીની તૈયારી


કૉન્ગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં વિવિધ રાજકીય પક્ષો સાથે વાટાઘાટો કરવા માટે એક અલગ પૅનલની પણ રચના કરવામાં આવી છે જેના વડા એ. કે. ઍન્ટની રહેશે. આ ઉપરાંત ઍન્ટનીને કૉન્ગ્રેસના ચૂંટણીઢંઢેરા અને સરકારના કાર્યક્રમો વિશેના એક અન્ય જૂથના વડા પણ બનાવવામાં આવ્યા છે. પબ્લિસિટી માટેના અન્ય એક ગ્રુપના વડા દિગ્વિજય સિંહને બનાવવામાં આવ્યા છે. લોકસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ઇલેક્શન કો-ઑર્ડિનેશન કમિટી તથા ત્રણ અન્ય પેટા-જૂથોની રચના કરી હતી.

કૉન્ગ્રેસના સેનાનીઓ

રાહુલ ગાંધીને ચૂંટણીનું સુકાન સોંપવાના સોનિયા ગાંધીના નર્ણિયને ગણતરીપૂર્વકનું પગલું માનવામાં આવે છે. થોડા સમય પહેલાં જ પાર્ટીમાં રાહુલ ગાંધીને મોટી ભૂમિકા સોંપવાની માગણી તેજ થઈ હતી એ પછી રાહુલે પોતે કોઈ પણ મોટી જવાબદારી સંભાળવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી પહેલાં જોડાણ માટે વિવિધ પક્ષો સાથેની વાટાઘાટો કરવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તેના અન્ય સભ્યોમાં વીરપ્પા મોઇલી, મુકુલ વાસનિક, સુરેશ પચૌરી, જિતેન્દ્ર સિંહ અને મોહન પ્રકાશનો સમાવેશ છે. જ્યારે ચૂંટણીઢંઢેરા અને સરકારના કાર્યક્રમો માટેની કમિટીના સભ્યોમાં પી. ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદે, આનંદ શર્મા, સલમાન ખુરશીદ, સંદીપ દીક્ષિત, અજિત જોગી, રેણુકા ચૌધરી અને પી. એલ. પુનિયાનો સમાવેશ છે. દિગ્વિજય સિંહના વડપણ હેઠળની પ્રચાર સમિતિના સભ્યોમાં ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોની, મનીષ તિવારી, દીપેન્દર હૂડા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુક્લા અને ભક્ત ચરણદાસનો સમાવેશ છે.

લોકસભાની ચૂંટણીના આડે માત્ર દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કૉન્ગ્રેસે ફરી આ ચૂંટણી જીતવા મોટા પાયે તૈયારી શરૂ કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત, હિમાચલ પ્રદેશ તથા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે કૉન્ગ્રેસનું આ પગલું અત્યંત મહત્વનું માનવામાં આવે છે.