વિદ્યાર્થીઓના આંદોલનમાં રાહુલ ગાંધી હવે આક્રમક,કેન્દ્ર સરકારે પહેલી વાર પ્રૅસ-કૉન્ફરન્સ બોલાવી

23 July, 2026 07:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓના આંદોલનમાં અચાનક એન્ટ્રી માર્યા પછી રાહુલ ગાંધી હવે આક્રમક, સામે કેન્દ્ર સરકારે પહેલી વાર પ્રૅસ-કૉન્ફરન્સ બોલાવીને આ મામલે પોતાનો પક્ષ માંડ્યો

ગઈ કાલે પ્રૅસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી તેમ જ જે.પી. નડ્ડા.

રાહુલ ગાંધીનો સરકારને સવાલ- ૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક થયાં, પણ કોઈને સજા કેમ નહીં?

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી સ્થિત કૉન્ગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને દેશની શિક્ષણવ્યવસ્થા, પેપર-લીક અને વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક-આર્થિક દબાણ વિશે કેન્દ્ર સરકાર સામે ગંભીર પ્રહારો કર્યા હતા. સંબોધન પહેલાં તેમણે પોલીસ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો એક વિડિયો રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોતાના અધિકાર અને શાંતિપૂર્ણ માગણીઓ રજૂ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે, તેમની માગણીઓ સાંભળવાને બદલે તેમને ગુનેગારોની જેમ ઢોર માર મારવામાં આવી રહ્યો છે. 
રાહુલ ગાંધીએ આંકડા ટાંકીને દાવો કર્યો હતો કે ‘વીતેલાં ૧૦ વર્ષમાં ૧૫૨ વખત પેપર લીક થયાં છે, પરંતુ એક પણ કિસ્સામાં કોઈને સજા થઈ નથી. આ ઘટનાઓથી આશરે ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. દેશમાં પરિવારો દર વર્ષે પરીક્ષાઓ પાછળ આશરે ૧.૩૨ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, જે કેન્દ્ર સરકારના ૧.૪૦ લાખ કરોડ રૂપિયાના કુલ શિક્ષણ બજેટ જેટલું જ છે. આટલો મોટો ખર્ચ કર્યા છતાં પેપર-લીક થતાં વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય બન્ને બરબાદ થાય છે.’ 
રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ ૩ મુખ્ય માગણીઓ કરી હતી...
૧. પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે.
૨. વિદ્યાર્થીઓ પર બળપ્રયોગનો આદેશ આપનારા તથા એનો અમલ કરનારા તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે.
૩. સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પીડિત વિદ્યાર્થીઓની માફી માગે.

રાહુલ ગાંધીનો ચોંકાવનારો દાવો ઃ પોલીસે મને કાનમાં કહ્યું, આ સરકારને હટાવો
રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન એક ચોંકાવનારો કિસ્સો શૅર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ‘મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર વિરોધ-પ્રદર્શન દરમ્યાન જ્યારે પોલીસ મને બળજબરીપૂર્વક ઢસડીને લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ જવાનોએ મારા કાનમાં ધીમેથી કહ્યું હતું કે આ સરકારને હટાવો. પોલીસકર્મીઓએ મને કહ્યું કે તેઓ માત્ર વર્દી પહેરી હોવાથી આદેશનું પાલન કરી રહ્યા છે. દેશમાં થઈ રહેલા અન્યાયથી પોલીસ પણ ખુશ નથી, કારણ કે તેઓ આ વિદ્યાર્થીઓમાં પોતાનાં બાળકોનું ભવિષ્ય જુએ છે.

હેલ્થ મિનિસ્ટર જે. પી. નડ્ડાએ કહ્યું...વિદ્યાર્થીઓના આંદોલન પર રાજકારણ ન જ થવું જોઈએ, અમે સંસદમાં બારથી ૧૮ કલાક સુધી વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન, વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ અને વિપક્ષના પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ દેશના વિદ્યાર્થીઓ, આંદોલન અને વિપક્ષની ભૂમિકા વિશે ગઈ કાલે રાત્રે એક 
પ્રેસ-કૉન્ફરન્સમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. 
વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય: દેશનાં બાળકો આપણાં છે અને તેઓ ભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યની કાળજી લેવી એ માત્ર સરકારની જ નહીં પરંતુ વિપક્ષની પણ નૈતિક ફરજ છે. તેથી આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવવા માટે બન્નેએ સાથે મળીને કામ કરવું જોઈએ.
આંદોલનનું રાજકારણ ન થાય: પેપર-લીક અને વિદ્યાર્થીઓના આંદોલનનું રાજકારણ ન થવું જોઈએ. કૉન્ગ્રેસ અને એના સહયોગી પક્ષોના શાસનવાળાં રાજ્યો જેવાં કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને તેલંગણમાં પણ પેપર-લીકની ઘટનાઓ બની છે.
આરોપોની નિષ્પક્ષ તપાસ: રાહુલ ગાંધીએ રજૂ કરેલા ૧૫૦ પેપર-લીકના દસ્તાવેજો તપાસનો વિષય છે. કેન્દ્ર સરકાર એક જવાબદાર સરકાર તરીકે તેની સંપૂર્ણ તપાસ કરાવીને સત્ય દેશની જનતા સામે રજૂ કરશે.
સંસદમાં ૧૮ કલાક ચર્ચા માટે તૈયાર: સરકાર સંસદમાં આ મુદ્દે ૧૨થી ૧૮ કલાક સુધીની વિસ્તૃત ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિપક્ષે પોતાનો લક્ષ્યાંક બદલ્યા વિના સંસદના મંચ પર ચર્ચા કરીને દેશ માટે એક કાયમી નીતિ બનાવવામાં સહયોગ આપવો જોઈએ.

national news india political news indian politics indian government rahul gandhi jp nadda delhi news jantar mantar neet exam cockroach janata party