14 August, 2026 08:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં રચનાત્મક કૉન્ગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં રાહુલ ગાંધી.
કૉન્ગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીમાં ‘રચનાત્મક કૉન્ગ્રેસ કન્વેન્શન’માં BJPની સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર તીખો હુમલો કર્યો હતો. તેમણે સમારોહમાં કહ્યું હતું કે ‘BJP, નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકોની આઝાદી છીનવી લેવા માગે છે. જોકે કૉન્ગ્રેસ અને સમગ્ર વિપક્ષ હવે પોતાની વાત મજબૂતીથી કહી રહ્યાં છે અને હવે આપણને કોઈ રોકી શકે એમ નથી. હવે આ લોકોને થૅન્ક યુ, ટાટા, ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. સત્તા પક્ષે હવે પાછળ હટવા સિવાય કોઈ વિકલ્પ નથી.’
પાગલ કરી દઈશું
રાહુલ ગાંધીએ BJP સરકારમાં આંતરિક તનાવ ચાલી રહ્યો છે એવો દાવો કર્યો હતો અને આ બધું તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી જ ખબર પડી છે એવો દાવો કરતાં કહ્યું હતું, ‘મને ખબર છે... આજકાલ મોદીજીની ઑફિસની અંદરથી જ મને ઇન્ફર્મેશન મળી રહી છે. પૂરા રિવૉલ્ટ ચલ રહા હૈ અંદર.’
આપણે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાગલ કરી દઈશું એમ કહીને રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘આપણું કામ સિમ્પલ છે. હવે આપણે તેમની ઊંઘ ઉડાડી દઈશું. આમેય નરેન્દ્ર મોદી રાતે સૂતા નથી. કેમ નથી સૂતા એનાં ઘણાં છૂપાં કારણો છે. કેટલાંક કારણો દેખીતાં છે. અને પેલો સો કૉલ્ડ ચાણક્ય અને સરદાર પટેલ ક્યાં ગયા પાર્લમેન્ટના સેશન વખતે. ૨૦ દિવસ સુધી પાર્લમેન્ટ હાઉસમાં ઘૂસી નહોતા શક્યા, કેમ કે તેમને પહેલી વાર nareસમજાઈ ગયું છે કે હવેનું ભારત એક્સપ્રેસ કરે છે. ૨૦ દિવસ સુધી ભાગતા ફર્યા કેમ કે સચ્ચાઈ સમજાઈ ગઈ છે. હવે એક વાત નક્કી છે કે ભારત અને ભારતીયો પાસે ફ્રીડમ ઑફ એક્સપ્રેશન છે. આપણો અવાજ કોઈ દબાવી નહીં શકે. આપણે ત્યાં સુધી બોલતા રહીશું જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજીનામું ન આપે. ત્યાં સુધી તેમને સૂવા નહીં દઈએ. તેમને આપણે જગાડેલા રાખીશું. આખી-આખી રાત જગાડી રાખીશું. જ્યાં સુધી તેઓ કોલૅપ્સ થઈને એવું ન કહે કે ભાઈ, આ મારા બસનું નથી.’
આજના ભારતને સમજો
પૌરાણિક વાતો કરીને લોકોને ગુમરાહ કરવા વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘આપણે ૩૦૦૦ વર્ષ જૂના ભારતને સમજવાની જરૂર નથી, પરંતુ આજના ભારતને સમજવાની જરૂર છે. જંતર મંતર પર જે જોવા મળ્યું એ અભિવ્યક્તિની આઝાદી છીનવવાનો પ્રયાસ હતો. જોકે હવે આપણે અભિવ્યક્તિની આઝાદી માટે લડવાનું છે. ભારતમાં આજે બધા બહુ કાયરની જેમ વર્તે છે. બધાને બોલતાં ડર લાગે છે. હું બધાની અભિવક્તિ માટે લડીશ. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અભિવ્યક્તિને પણ જો દબાવવાની કોશિશ થશે તો હું તેમની પણ રક્ષા કરીશ, કેમ કે તેમને પણ અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ.’