રાહુલ-સોનિયા, અડવાણી, રાજનાથ સહિતના ૪૦૧ સંસદસભ્યોએ તેમની સંપત્તિ જાહેર નથી કરી

27 October, 2014 06:01 AM IST  | 

રાહુલ-સોનિયા, અડવાણી, રાજનાથ સહિતના ૪૦૧ સંસદસભ્યોએ તેમની સંપત્તિ જાહેર નથી કરી



લોકસભાના ૪૦૦થી વધુ સભ્યોએ તેમની મિલકત તથા જવાબદારીની વિગત જાહેર કરી નથી અને આ સભ્યોમાં કૉન્ગ્રેસનાં રાહુલ તથા સોનિયા ગાંધી અને BJPના લાલ કૃષ્ણ અડવાણી અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહનો સમાવેશ થાય છે.

માહિતીના અધિકાર હેઠળની એક અરજીનો જવાબ આપતાં લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે ૪૦૧ સભ્યો તરફથી આવી માહિતી મળવાની રાહ જોવાઈ રહી છે. જેમણે મિલકતો જાહેર નથી કરી તેમાં કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, ઉમા ભારતી, હર્ષ વર્ધન, રાધા મોહન સિંહ, અનંત ગીતે, રામવિલાસ પાસવાન, કિરણ રિજ્જુ તથા નીતિન ગડકરી, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સુપ્રિયા સુળે અને સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવનો પણ સમાવેશ થાય છે.

BJPના ૨૦૯, કૉન્ગ્રેસના ૩૧, તૃણમૂલ કૉન્ગ્રેસના ૨૭, બિજુ જનતા દળના ૧૮, શિવસેનાના ૧૫, તેલુગુ દેસમ પાર્ટીના ૧૪, ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમના ૯, તેલંગણ રાષ્ટ્ર સમિતિના ૮, લોકજનશક્તિ પાર્ટીના ૬, રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ, માક્ર્સવાદી પક્ષ તથા સમાજવાદી પક્ષના ચાર-ચાર, જનતા દળ (યુનાઇટેડ) તથા અપના દલના બે-બે અને અકાલી દળ, રાષ્ટ્રીય જનતા દળ તથા આમ આદમી પાર્ટીના એક-એક સભ્યે તેમની મિલકતની વિગત લોકસભા સચિવાલયને સુપરત કરી નથી.

કાયદો શું કહે છે?


મેમ્બર્સ ઑફ ધી લોકસભા ડેક્લેરેશન ઑફ ઍસેટ્સ રૂલ-૨૦૦૪ અનુસાર, સભ્યોએ સોગંદ લીધાના ૯૦ દિવસમાં તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. જેમણે આવી વિગત જાહેર નથી કરી તેમની સામે ઍસેટ્સ ઍન્ડ લાયેબિલિટી રૂલ્સ-૨૦૦૪ની જોગવાઈ ક્રમાંક પ તથા ૬ અને લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૭૫ (એ) હેઠળ પગલાં લઈ શકાય છે.