અગ્નિપથના નામે દેશ અને આર્મી સાથે મોદી સરકાર કરી રહી છે છેતરપિંડી : રાહુલ ગાંધી

23 June, 2022 08:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકો ‘વન રૅન્ક, વન પેન્શન’ની વાત કરતા હતા તે હવે ‘નો રૅન્ક, નો પેન્શન’ થઈ ગયા

અગ્નિપથ યોજના વિરુદ્ધ સત્યાગ્રહ દરમ્યાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રા (તસવીર : પી.ટી.આઇ.)

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને દેશ અને આર્મી સાથે સરકારની નવી છેતરપિંડી ગણાવતાં ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાને પાછી લેવી જ પડશે. તેમણે નૅશનલ હેરલ્ડ મામલે પૂછતાછ દરમ્યાન એકતા દેખાડનારા કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ધન્યવાદ કહેતાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના નેતાઓને ડરાવી કે ધમકાવી નહીં શકાય. રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના હેડ ક્વૉર્ટરમાં હાજર કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સંસદસભ્યો, વિધાનસભ્યોને સંબોધિત કરતાં એમ પણ કહ્યું હતું કે ઈડીની પૂછપરછ એક નાનકડી વાત છે, કારણ કે આજે બેરોજગારી અને અગ્નિપથ યોજના સૌથી મહત્ત્વના મુદ્દા છે.

અગ્નિપથ યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકો ‘વન રૅન્ક, વન પેન્શન’ની વાત કરતા હતા તે હવે ‘નો રૅન્ક, નો પેન્શન’ થઈ ગયા. તેમણે એવો દાવો કર્યો કે ‘આ યોજનામાં ભરતી થયા બાદ યુવાનો ચાર વર્ષ વિતાવીને આર્મીમાંથી બહાર નીકળશે તો તેમને રોજગાર નહીં મળે. આજે ચીનની સેના ભારતની ધરતી પર ઘૂસી ગઈ છે. એક હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્ર ચીને આપણી પાસેથી પડાવી લીધું છે. આવી પરિસ્થિતિમાં આર્મીને મજબૂત કરવી જોઈએ, પરંતુ સરકાર એને નબળી બનાવી રહી છે, જ્યારે યુદ્ધ થશે ત્યારે એનું પરિણામ ખબર પડશે.’

national news congress rahul gandhi priyanka gandhi