04 February, 2025 09:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોબાઇલ હાથમાં લઈને સરકારને ઘેરી હતી.
સંસદમાં રાષ્ટ્રપતિએ બજેટ સત્રને સંબોધન કરતું ભાષણ આપ્યું હતું, આ ભાષણનો આભાર માનવા માટેના પ્રસ્તાવ દરમ્યાન ગઈ કાલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાનો મોબાઇલ હાથમાં લઈને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયાનો વિચાર સારો હતો, પણ તેઓ એમાં અસફળ રહ્યા.’
હાથમાં પકડેલા પોતાના મોબાઇલ તરફ ઇશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ભલે આપણે કહેતા હોઈએ કે આ મોબાઇલ ભારતમાં બનાવવામાં આવ્યો છે, પણ હકીકત એ છે કે એ ચીનમાં બનાવવામાં આવ્યો છે. મોબાઇલના પાર્ટ્સ ચીનથી લાવીને આપણે માત્ર ઍસેમ્બલ કરીએ છીએ. ફોનના બધા જ પાર્ટ્સ ચીનમાં તૈયાર કરવામાં આવ્યા છે. આથી આપણે ચીનને ટૅક્સ આપીએ છીએ. ૨૦૧૪માં મૅન્યુફૅક્ચરિંગનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) દર ૧૫.૩ ટકા હતો જે આજે ૧૨.૬ ટકા થઈ ગયો છે, જે ૬૦ વર્ષમાં સૌથી નીચો છે. આપણે ઉત્પાદનને વ્યવસ્થિત કરવામાં અસફળ રહ્યા છીએ.’