27 July, 2025 06:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસ ગઈ કાલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC) લીડરશિપ પાર્ટનરશિપ જસ્ટિસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમને સંબોધતાં કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ૨૦૦૪થી રાજકારણમાં છું. જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે મને લાગે છે કે મેં ભૂલ કરી છે. મેં OBCનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે મારે કરવું જોઈએ. આવું થયું કારણ કે હું એ સમયે તમારા મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યો નહોતો. મને દુ:ખ છે કે જો મને તમારા (OBC) ઇતિહાસ, તમારા મુદ્દાઓ વિશે થોડી પણ ખબર હોત તો મેં એ સમયે જાતિની વસ્તીગણતરી કરાવી હોત. આ મારી ભૂલ છે. આ કૉન્ગ્રેસ પાર્ટીની ભૂલ નથી, એ મારી ભૂલ છે. હું એ ભૂલ સુધારવા જઈ રહ્યો છું.’
નરેન્દ્ર મોદીનું એકમાત્ર કામ જૂઠું બોલવાનું છે : મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પરિષદને સંબોધતાં કહ્યું કે રાહુલ ગાંધી પછાત અને દલિતો માટે લડે છે. જો અમે લોકસભાની ચૂંટણીમાં ૩૦ વધુ બેઠકો જીતી હોત તો અમે સત્તામાં હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં ખડગેએ કહ્યું હતું કે ‘તેઓ જૂઠાઓના નેતા છે. તેમનું એકમાત્ર કામ જૂઠું બોલવાનું છે. તેઓ જૂઠું બોલ્યા કે તેઓ બે કરોડ નોકરીઓ આપશે. તેઓ દેશમાં કાળું નાણું પાછું લાવવા અને પૈસા આપવા વિશે જૂઠું બોલ્યા. તેઓ MSP વિશે જૂઠું બોલ્યા. તેઓ OBC વર્ગની આવક વધારવા વિશે પણ જૂઠું બોલ્યા. વડા પ્રધાન મોદી દરેક બાબતમાં જૂઠું બોલે છે. તેઓ તેમના જીવનમાં, ખાસ કરીને સંસદમાં જૂઠું બોલે છે. તમારે સમજવું જોઈએ કે તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.’
આજે ગુજરાતમાં કૉન્ગ્રેસના નવા જિલ્લાપ્રમુખોના ક્લાસ લેશે રાહુલ ગાંધી
આણંદમાં પ્રશિક્ષણ શિબિર, મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહેશે : રાહુલ ગાંધી દૂધ-સંઘોના સભાસદો સાથે સંવાદ કરશે
સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતના નવનિયુક્ત જિલ્લાપ્રમુખો માટે આજથી ત્રણ દિવસ આણંદમાં યોજાનારી પ્રશિક્ષણ શિબિરમાં પહેલા દિવસે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ક્લાસ લઈને માર્ગદર્શન આપશે. આ સાથે તેઓ ગુજરાતની દૂધ-મંડળીઓ અને એના સભાસદો સાથે બેઠક યોજીને તેમના તમામ પ્રશ્નો અને ન્યાય માટે સંવાદ કરશે.
ગુજરાતમાં જિલ્લા કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે તેમના માટે આણંદના નિજાનંદ રિસૉર્ટમાં આજે સવારે ૧૧ વાગ્યાથી પ્રશિક્ષણ શિબિર યોજાશે. ભારતીય કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થશે. આવનારા સમયમાં મિશન ૨૦૨૭નો એક રોડમૅપ નક્કી થાય અને ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે એમાં લોકોનો અવાજ કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા મુદ્દાઓ પર રોડમૅપ નક્કી કરવા માટે પ્રશિક્ષણ અપાશે, જેમાં રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત બપોરે ત્રણ વાગ્યે દૂધ-સંઘના સભાસદો, દૂધ ભરાવતા પશુપાલકો સાથે આણંદના જિતોડિયા ખાતે બંધન પાર્ટી-પ્લૉટમાં બેઠક યોજાશે.