06 November, 2025 02:25 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
હરિયાણાના કુલ બે કરોડ મતદાતાઓમાંથી ૨૫ લાખ મતદાતાઓ નકલી હોવાનો દાવો કરીને કહ્યું કે બ્રાઝિલની મૉડલે હરિયાણામાં બાવીસ મતદાન કર્યુંઃ બિહારના પાંચ જણને સ્ટેજ પર બોલાવીને તેમના મત કપાયા હોવાનો દાવો કર્યો
હરિયાણાના કુલ બે કરોડ મતદાતાઓમાંથી ૨૫ લાખ મતદાતાઓ નકલી હોવાનો દાવો કરીને કહ્યું કે બ્રાઝિલની મૉડલે હરિયાણામાં બાવીસ મતદાન કર્યુંઃ બિહારના પાંચ જણને સ્ટેજ પર બોલાવીને તેમના મત કપાયા હોવાનો દાવો કર્યો
બિહાર વિધાનસભાનું પહેલા તબક્કાનું મતદાન આજે થવાનું છે ત્યારે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક દિવસ પહેલાં વોટચોરીના મુદ્દે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને ‘હાઇડ્રોજન બૉમ્બ’ ફોડવાની વાત કરી હતી. એક કલાક ૨૦ મિનિટ લાંબી ચાલેલી પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ‘૨૦૨૪માં હરિયાણામાં ૨૫ લાખ નકલી વોટરો દ્વારા કૉન્ગ્રેસની અપાર બહુમતીવાળી જીતને હારમાં બદલી નાખવામાં આવી હતી. આ એક રીતે ‘ઑપરેશન સરકારચોરી’ છે. આ ચોરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સંગઠિત રીતે કરવામાં આવી હતી. હરિયાણામાં ૩.૫ લાખ વોટર્સનાં નામ લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યાં હતાં. આ જ ફૉર્મ્યુલા બિહારમાં દોહરાવાઈ રહી છે. ચૂંટણીના જસ્ટ પહેલાં જ મતદારયાદી આપવામાં આવે છે જેથી લોકતંત્રને હણી શકાય. હરિયાણાના કુલ બે કરોડ મતદાતાઓમાંથી ૧૨.૫ ટકા એટલે કે ૨૫ લાખ મતદાતાઓ નકલી હતા. ચૂંટણીપંચ અને BJP વચ્ચે સાઠગાંઠ છે અને ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે કામ કરી રહ્યા છે. હરિયાણામાં જે થયું એનું અમે નામ રાખ્યું છે ‘H Files’. આખું રાજ્ય ચોરવામાં આવ્યું હતું. અમને હરિયાણાના અનેક લોકો તરફથી ફરિયાદ મળી હતી કે કંઈક તો ગરબડ છે. અમે આ અનુભવ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ કર્યો હતો, પરંતુ હરિયાણામાં કૉન્ગ્રેસની જીતને હારમાં બદલવા માટે સંગઠિત ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.’
મુખ્ય ચમકારા
૧. બ્રાઝિલની મૉડલે બાવીસ વાર મત આપ્યો ઃ રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સમાં બ્રાઝિલિયન મૉડલનો ફોટો બતાવીને સવાલ કર્યો હતો કે હરિયાણાની મતદારયાદીમાં આ મૉડલનું શું કામ છે? ક્યારેક સ્વીટી તો ક્યારેક સીમાના નામે આ મૉડલે બાવીસ વાર મત આપ્યો હતો. એક મહિલાએ તો ૧૦૦ વાર વોટ આપ્યો હતો.
૨. બિહારના પાંચ જણનું નામ કપાયું ઃ બિહારના જમુઈના પાંચ લોકોને સ્ટેજ પર બોલાવ્યા હતા જેમનાં નામ મતદારયાદીમાંથી કપાઈ ગયું છે. રાહુલે દાવો કર્યો હતો કે તેમના ગામના ૩૦૦ લોકોનાં નામ મતદારયાદીમાં સામેલ નથી કરવામાં આવ્યું.
૩. જેન-ઝી કાર્ડ ઃ મતદારયાદીમાં જે રીતની ગેરરીતિઓ થઈ રહી છે એને માટે ભારતની જેન-ઝીને ઉદ્દેશીને રાહુલે કહ્યું હતું કે ‘હું ચૂંટણીપંચ અને લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલ ઉઠાવું છું અને મારી પાસે ૧૦૦ ટકા
પુરાવા છે. જેન-ઝી આ વાત ધ્યાનથી સમજે એ હું ઇચ્છું છું. આ તમારા ભવિષ્યની ચોરી થઈ રહી છે, એને ગંભીરતાથી લો.’
ચૂંટણીપંચે શું કહ્યું?
હરિયાણામાં મતદારયાદીને લઈને લગાવેલા આરોપો નિરાધાર છે એમ જણાવતાં ચૂંટણીપંચના અધિકારીઓએ કહ્યું હતું કે ‘જો ખરેખર યાદીમાં ગરબડ હતી તો હરિયાણામાં ચૂંટણી વખતે તેમની પાર્ટીના બૂથ-એજન્ટ તરફથી મતદારયાદીની વિરુદ્ધ કેમ કોઈ અપીલ કરવામાં નહોતી આવી? જો ૨૫ લાખ નકલી મતો હતા તો એ મતદારયાદીની સુધારણા માટે કેમ ધ્યાન ન દોર્યું? મતદારયાદીમાં ગરબડ હતી એટલે જ એની સુધારણાનું કામ શરૂ થઈ રહ્યું છે તો શું રાહુલ ગાંધી SIRનું સમર્થન કરી રહ્યા છે? નાગરિકતાના સત્યાપનની સાથે ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા કે ટ્રાન્સફર થઈ ગયેલા મતદાતાઓનાં નામ હટાવવા માટે જ SIR છે. તો રાહુલ ગાંધી એનો વિરોધ કેમ કરે છે?’