કૉન્ગ્રેસને મજબૂત કરવા માટે યુવા નેતાઓની તલાશ છે રાહુલ ગાંધીને

18 September, 2021 10:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં અનેક રાજ્યોમાં કૉન્ગ્રેસ પાર્ટીના આંતરિક કલહને કારણે પાર્ટીની મજબૂતી હવે જરૂરી બની ગઈ છે

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસ પાર્ટીને મજબૂત કરે એવા યુવા નેતાઓની ટીમની શોધ કરી રહ્યા છે રાહુલ ગાંધી. વાસ્તવમાં અનેક રાજ્યોમાં કૉન્ગ્રેસ પાર્ટીના આંતરિક કલહને કારણે પાર્ટીની મજબૂતી હવે જરૂરી બની ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમારને કૉન્ગ્રેસમાં સામેલ કરાતાં થનારા ફાયદા ગેરફાયદાની આકારણી કરવામાં આવી રહી છે અને કન્હૈયા કુમાર પણ કૉન્ગ્રેસના સતત સંપર્કમાં છે એ જોતાં તે જલદી પાર્ટીમાં સામેલ થાય એવી શક્યતા નકારી શકાય નહીં. હાલમાં કન્હૈયા કુમાર ભારતી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય છે.

એમ મનાય છે કે કૉન્ગ્રેસ પાર્ટી બીજેપી વિરુદ્ધ એક રાષ્ટ્રીય આંદોલનની રણનીતિ બનાવી રહી છે, જે માટે પ્રભાવશાળી નેતાઓની શોધ કરવામાં આવી રહી છે.

ચાલુ વર્ષના પ્રારંભમાં જ જિતેન પ્રસાદ અને સુસ્મિતા દેબે કૉન્ગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં હતાં. રાજીનામા બાદ જિતેન પ્રસાદ બીજેપીમાં તથા સુસ્મિતા દેબ ટીએમસીમાં જોડાયાં હતાં. આવામાં પક્ષને ફરી પુનર્જીવિત કરવા અને યુવા ચહેરાઓને આગળ લાવવા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાના સભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત યુવા નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

national news congress rahul gandhi