કૅબિનેટમાં થશે રાહુલ ગાંધીની ગ્રૅન્ડ એન્ટ્રી?

12 August, 2012 09:18 AM IST  | 

કૅબિનેટમાં થશે રાહુલ ગાંધીની ગ્રૅન્ડ એન્ટ્રી?

 

 

કૉન્ગ્રેસમાં રાહુલ ગાંધીને મોટી ભૂમિકા સોંપવાની ડિમાન્ડ તેજ બની રહી છે ત્યારે ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહે આપેલા એક સ્ટેટમેન્ટે એવો સંકેત આપ્યો છે કે રાહુલ ગાંધી ગમેત્યારે સરકારમાં સામેલ થઈ જશે. ગઈ કાલે ઉપરાષ્ટ્રપતિપદે હામિદ અન્સારીની શપથવિધિ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે હું હંમેશાં કહેતો આવ્યો છું કે સરકારમાં રાહુલ ગાંધીના પ્રવેશને હું આવકારીશ. સંસદના ચોમાસુ સત્ર બાદ સરકારમાં મોટા પાયે ફેરબદલની પૂરેપૂરી શક્યતા છે.

 

કૉન્ગ્રેસના એક જૂથનું માનવું છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરતાં પહેલાં તેમને કૅબિનેટમાં સામેલ કરવા જોઈએ. કૉન્ગ્રેસના અન્ય કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને પાર્ટીના કાર્યકારી પ્રમુખ કે ઉપ-પ્રમુખ બનાવવાની તરફેણ પણ કરી રહ્યા છે. ગયા મહિને રાહુલ ગાંધીએ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયારી બતાવી હતી. રાહુલે કહ્યું હતું કે તેમનાં બે બૉસ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ આ સંદર્ભે નર્ણિય લેશે. એ પછી સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે મોટી ભૂમિકા વિશે રાહુલે પોતે નર્ણિય લેવાનો છે. ગઈ કાલે જ્યારે વડા પ્રધાનને પૂછવામાં આવ્યું કે કૅબિનેટમાં ફેરબદલ ક્યારે થશે? ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે પણ થશે ત્યારે તમને એની ખબર પડી જશે.