ગૅન્ગ-રેપના ૧૩ દિવસ પછી યુવતીના મોત બાદ રાહુલ ગાંધીએ મૌન તોડ્યું

30 December, 2012 05:32 AM IST  | 

ગૅન્ગ-રેપના ૧૩ દિવસ પછી યુવતીના મોત બાદ રાહુલ ગાંધીએ મૌન તોડ્યું

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘યુવતીના પરિવારજનો તથા દેશના લાખો યુવાનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આપણે બધાએ હંમેશાં મહિલાઓનું માન જાળવવું જોઈએ અને કાયદાનું પાલન કરવું જોઈએ. યુવતીના પરિવારજનોને આશ્વાસન આપવા હું મારી માતા અને બહેનની સાથે જોડાયો હતો. મારી પ્રાર્થનાઓ તેમના પરિવાર સાથે છે.’

અગાઉ ગૅન્ગ-રેપના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમ્યાન સોનિયા ગાંધીના નિવાસસ્થાને રાહુલ ગાંધી કેટલાક દેખાવકારોને મળ્યાં હતા તથા મહિલાઓની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાનું પ્રૉમિસ આપ્યું હતું. જોકે કેટલાક નેતાઓ તથા દેખાવકારોએ મૌન જાળવવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી.

રાજકારણીઓએ શું કહ્યું?

આપણે દેશની બહાદુર દીકરી ગુમાવી છે. તે સાચા અર્થમાં સમાજની નાયક હતી. સ્વાભિમાન અને જીવન માટેની લડાઈમાં તે છેલ્લી ઘડી સુધી ઝઝૂમતી રહી. આ અત્યંત બીભત્સ અપરાધ માટે દોષીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ.

- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

યુવતીનું મોત નિરર્થક નહીં જાય. આરોપીઓને ફાંસી આપવાની માગણી કરવામાં આવશે. આજે પેદા થયેલી લાગણીઓ અને ઊર્જાને સાચી દિશામાં વાળવી એ મૃત્યુ પામેલી યુવતીને આપણી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ગણાશે. હું દેશને કહેવા માગું છું કે યુવતી જીવન માટેની લડાઈ ભલે હારી હોય, પણ તેની લડાઈ અધૂરી નહીં રહે.

- વડા પ્રધાન મનમોહન સિંહ


આ ભાષણ આપવાનો વખત નથી. મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના. આ પ્રકારની ઘટનાથી શરમ આવે છે અને પીડા પણ થાય છે.

- શીલા દીક્ષિત, દિલ્હીનાં મુખ્ય પ્રધાન

યુવતીની નિર્ભયતા આજે મહિલાઓ માટે શક્તિનું પ્રતીક બની ગઈ છે. આપણે એક બહાદુર મહિલા ગુમાવી છે. તેનું સાહસ આપણા માટે પ્રેરણાનો સ્રોત બની રહેશે.

- મીરા કુમાર, લોકસભાનાં સ્પીકર

યુવતીનું મોત દેશ માટે આઘાતજનક ઘટના છે. દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપી શકીએ એ માટે આપણે હવે જાગૃત થવાની જરૂર છે.

- સુષમા સ્વરાજ