19 September, 2025 09:09 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં મીડિયાને સંબોધતા રાહુલ ગાંધી.
રાહુલ ગાંધીએ ફરી એક વાર દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને ચૂંટણીપંચ પર હુમલો કર્યો હતો. જોકે તેમણે પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆતમાં જ સફાઈ આપતાં કહી દીધું હતું કે આ હાઇડ્રોજન બૉમ્બ નથી, એ તો હવે પછી આવશે. આ વખતે તેમણે મતદારોનાં નામ કપાવાને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે મતદારયાદીમાં કૉલ સેન્ટર અને નકલી મોબાઇલ નંબરો વિશે ચૂંટણીપંચને અનેક સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ સીધો હુમલો કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીપંચના કમિશનર જ્ઞાનેશકુમાર લોકતંત્રની હત્યા કરનારાઓ અને વોટચોરોની રક્ષા કરી રહ્યા છે. એક રોચક વાત તમને કહું છું. આ બધી માહિતી મને ક્યાંથી મળે છે? હવે મને ચૂંટણીપંચના અંદરના જ લોકો તરફથી મદદ મળવાની શરૂ થઈ ગઈ છે. હવે હું સાફ કહું છું. પહેલાં એવું નહોતું થઈ રહ્યું. હવે હું રોકાઈશ નહીં.’
આરોપો શું?
કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં સુનિયોજિત રીતે કોન્ગ્રેસના ૬૦૧૮ મતદાતાઓનાં નામ ડિલીટ કરવામાં આવ્યાં છે. જેમનાં નામ કાઢવામાં આવ્યાં અને જેમનાં નામનો ઉપયોગ કરીને યાદીમાંથી નામ હટાવવામાં આવ્યાં એ બન્નેને એની જાણકારી નહોતી.
૧૦ બૂથમાંથી જ મતદાતાઓ કાપવામાં આવ્યા જ્યાં કૉન્ગ્રેસ મજબૂત છે. આ બધું ઑટોમેટેડ વ્યવસ્થા વાપરીને થયું છે. કોઈ એક વ્યક્તિગત સ્તરે આ નથી થયું.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજૌરા વિધાનસભા ક્ષેત્રમાં આવી જ રીતનો ઉપયોગ કરીને ૬૮૫૦ નામ યાદીમાં ઉમેરવામાં આવ્યાં હતાં.
મતદાતાઓનાં નામ હટાવવા માટે જે મોબાઇલ નંબરોનો ઉપયોગ થયો એ કર્ણાટકની બહારના હતા.
રાહુલ ગાંધીએ સ્ટેજ પર કેટલાક લોકોને બોલાવ્યા હતા જેમનાં નામ યાદીમાંથી હટાવાયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘આ મામલાની તપાસ કર્ણાટકનું ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) કરી રહ્યું છે. CIDએ ૧૮ પત્રો લખીને ચૂંટણીપંચ પાસેથી જાણકારી માગી હતી, પણ તેમને કોઈ માહિતી આપવામાં નથી આવી.’
એક સપ્તાહમાં જવાબ માગ્યો રાહુલે
૩૧ મિનિટની પ્રેસ-કૉન્ફરન્સ પૂરી કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ચૂંટણીપંચે એક વીકની અંદર આ બાબતે જવાબ આપવો પડશે. જો જવાબ નહીં મળે તો દેશના યુવાનો સમજશે કે તમે પણ સંવિધાનની હત્યા કરનારાઓની સાથે છો.’
રાહુલ ગાંધીના આરોપો ખોટા અને પાયાવિહોણા ઃ જ્ઞાનેશકુમાર
રાહુલ ગાંધીના હુમલા પછી તરત જ ચૂંટણી-કમિશનર જ્ઞાનેશકુમારે વોટચોરોની રક્ષા કરવાના કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે ભાર દઈને કહ્યું હતું કે ‘સંબંધિત વ્યક્તિનો પક્ષ સાંભળ્યા વિના કોઈ પણ નામ હટાવી શકાય નહીં. રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા આરોપો જુઠ્ઠા અને નિરાધાર છે. કોઈ મતદાતાને ઑનલાઇન કોઈ પણ વ્યક્તિ દ્વારા હટાવી શકાય નહીં.’