ફાઇલોની તપાસ કર્યા વગર રાફેલસોદામાં સરકારને ક્લીન ચિટકેવી રીતે મળી ગઈ?

26 December, 2018 11:57 AM IST  | 

ફાઇલોની તપાસ કર્યા વગર રાફેલસોદામાં સરકારને ક્લીન ચિટકેવી રીતે મળી ગઈ?

સુપ્રીમ કોર્ટના જજમેન્ટના ૨૪ કલાકમાં કપિલ સિબલના પ્રહારો

સિબલે શું કહ્યું?

કપિલ સિબલે BJPના રાફેલકેસમાં સરકારને ક્લીન ચિટના દાવા બાબતે જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે રાફેલસોદાનાં ટેક્નિકલ પાસાં અને પ્રાઇસિંગની તપાસ કરી ન હોય તો સરકાર જીતનો દાવો કેવી રીતે કરી શકે? કૉન્ગ્રેસ પાર્ટી આ કેસમાં પહેલેથી પક્ષકાર નહોતી અને અમે શરૂઆતથી માનીએ છીએ કે આ બાબતમાં નિર્ણય માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય મંચ નથી, કારણ કે ત્યાં બધી ફાઇલો ખોલી શકાતી નથી. સુપ્રીમ કોર્ટને એનો અધિકાર નથી. રાફેલસોદામાં કહેવાતા ભ્રષ્ટાચાર, એ ફાઇટર જેટની કિંમત, ટેક્નિક વગેરે બાબતની તપાસ માટે સુપ્રીમ કોર્ટ ઉચિત સત્તાતંત્ર નથી. મેં જજમેન્ટના ઘણા પૅરૅગ્રાફ વાંચ્યા છે. એમાં ક્યાંય ક્લીન ચિટનો ઉલ્લેખ નથી. ૧૨મા, ૧૫મા અને ૩૪મા પૅરૅગ્રાફ્સમાં સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે કે અમારું અધિકારક્ષેત્ર મર્યાદિત છે, ટેક્નિકલ સ્તરે કઈ બાબતો યોગ્ય છે એ અમે નિશ્ચિતરૂપે કહી ન શકીએ, પ્રોસીજરની દૃષ્ટિએ રાફેલ ઘણું સક્ષમ પ્લેન છે. સુપ્રીમ કોર્ટમાં પ્રેસ-રિપોર્ટ્સ અને સરકારની ઍફિડેવિટને આધારરૂપે દર્શાવવામાં આવ્યાં છે. કેટલાંક તથ્યો કદાચ સરકારની ઍફિડેવિટને કારણે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં સામેલ થયાં છે. કોર્ટના જજમેન્ટમાં કૅગના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સંદર્ભમાં ઍટર્ની જનરલને પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC) સમક્ષ બોલાવીને કોર્ટમાં ખોટી ઍફિડેવિટ આપવા વિશે સ્પષ્ટતા માગવી જોઈએ. ખરેખર તો કૉન્ગ્રેસની સરકારો વિરુદ્ધ કરવામાં આવેલા કોલસાની ખાણોની ફાળવણી અને ૨G કૌભાંડના આરોપો પણ ખોટા પુરવાર થયા છે.’

કૅગનો જવાબ માગશે PAC

લોકસભામાં કૉન્ગ્રેસના નેતા અને PACના ચૅરમૅન મલ્લિકાજુર્ન ખડગેએ જણાવ્યું હતું કે ‘અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ, પરંતુ એ તપાસસંસ્થા નથી. અમે રાફેલસોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરી રહ્યા છીએ. કૅગનો રિપોર્ટ સંસદમાં અને PAC સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને PACએ રિપોર્ટની ચકાસણી પણ કરી છે. અમે રાફેલસોદાના સંદર્ભમાં કૅગ તથા ઍટર્ની જનરલને સ્પષ્ટતા માટે PAC સમક્ષ બોલાવીશું.’

BJPએ આપ્યો જવાબ

કપિલ સિબલના પ્રહારોનો જવાબ આપતાં BJPના પ્રવક્તા GVL નરસિંહ રાવે જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરવાના કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના પ્રયાસો ટીકાપાત્ર છે. તેમને પાકિસ્તાનની અદાલતો પર વિશ્વાસ છે, પરંતુ ભારતની અદાલતો પર વિશ્વાસ નથી. કૉન્ગ્રેસના પ્રમુખને ઇમરાન ખાન અને હાફિઝ સઈદ પર વિશ્વાસ છે, પરંતુ ભારતીય લશ્કરના હવાઈ દળ અને ભૂમિદળ પર વિશ્વાસ નથી.’

રાફેલકેસ પછી અનિલ અંબાણીને બીજી રાહત : R.કૉમના સ્પેક્ટ્રમ સેલને મંજૂરી અપાશે

રાફેલ ફાઇટર જેટના સોદામાં કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર ન થયો હોવાનું સ્પષ્ટ કરતા ચુકાદાની સાથે રિલાયન્સ કમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણીને વધુ એક બાબતમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર મળ્યા હતા. શુક્રવારે રાફેલ સોદા વિશે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT) તરફથી અનિલ અંબાણીની R.કૉમ કંપનીને સ્પેક્ટ્રમ સેલની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

રિલાયન્સ કમ્યુનિકેશન્સ કંપની ફરી એક વખત દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી. એવામાં સ્પેક્ટ્રમ સેલની મંજૂરી મળતાં કંપનીને એ વેચાણ દ્વારા મળનારી રકમ વડે દેવું ચૂકવવાની અનુકૂળતા મળશે. DOTએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ‘R.કૉમના સ્પેક્ટ્રમ સેલ માટે સોમવારે સવાર સુધીમાં મંજૂરી આપવામાં આવશે. રિલાયન્સ ગ્રુપે આપેલી ૧૪૦૦ કરોડ રૂપિયાની કૉર્પોરેટ ગૅરન્ટીના અનુસંધાનમાં આવશ્યક પ્રક્રિયાઓ પૂરી કરવાની વિધિ ચાલે છે.’

રાફેલકેસના ચુકાદામાં કૅગ અને PACના સંદર્ભોમાં સુધારાની કેન્દ્ર સરકારની અરજી

કૉન્ગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષોની ટીકાઓના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે રાફેલ ફાઇટર જેટ સોદા સંબંધી જજમેન્ટમાં કૅગ અને PACના સંદર્ભો ધરાવતા પૅરૅગ્રાફ્સમાં સુધારાની માગણી કરતી અરજી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સરકારના કાયદા-વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘કૅગ અને PAC સંબંધી સીલબંધ દસ્તાવેજના મુદ્દે જુદી-જુદી વ્યાખ્યાઓ કરવામાં આવે છે. એથી ઉચિત અર્થઘટન માટે સંબંધિત પૅરૅગ્રાફ્સમાં સુધારો અનિવાર્ય છે.’

રાફેલના મુદ્દે કૉન્ગ્રેસનો સામનો કરવા BJPની સેના સજ્જ : ૭૦ શહેરોમાં પ્રધાનો ત્રાટકશે

રાફેલ ફાઇટર જેટના સોદા વિશે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કૉન્ગ્રેસના પ્રહારો સામે પ્રતિઆક્રમણ માટે BJPના વરિષ્ઠ નેતાઓએ તૈયારી કરી છે. આવતી કાલે પક્ષના તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો દેશનાં ૭૦ શહેરોમાં કૉન્ગ્રેસ પર વળતા પ્રહારો કરશે. BJPના રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રાફેલસોદામાં કોઈ ગરબડ કે ભ્રષ્ટાચાર જણાતો ન હોવાનું સ્પષ્ટ કહ્યા પછી રાષ્ટ્રની સલામતી સાથે ખેલ કરનારી કૉન્ગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

national news kapil sibal