તાજમહેલ બાદ કુતુબ મિનાર વિવાદ: હિંદુ સંગઠને મિનાર સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યા

10 May, 2022 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રદર્શન એવા સમયે થયું છે, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં તાજમહેલના 22 રૂમને તેજો મહાલય તરીકે ખોલીને તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે

તસવીર/પીટીઆઈ

હિંદુ સંગઠનોએ દિલ્હીના કુતુબ મિનાર સંકુલમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે અને તેનું નામ વિષ્ણુ સ્તંભ રાખવાની માગ કરી છે. સંયુક્ત હિંદુ મોરચાનો દાવો છે કે કુતુબ મિનાર જૈન અને હિંદુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યો હતો. પોલીસે સંગઠનના કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે. આ પ્રદર્શન એવા સમયે થયું છે, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં તાજમહેલના 22 રૂમને તેજો મહાલય તરીકે ખોલીને તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

સંયુક્ત હિંદુ મોરચાએ કહ્યું - મિનારામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે

સંયુક્ત હિંદુ મોરચાના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જય ભગવાન ગોયલે દાવો કર્યો છે કે કુતુબ મિનારનું નિર્માણ 27 જૈન અને હિંદુ મંદિરો તોડીને કરવામાં આવ્યું હતું. પરિસરમાં હાજર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવી જોઈએ અને હિંદુઓને પરિસરમાં પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદે પણ કુતુબ મિનારને વિષ્ણુ સ્તંભ હોવાનું જણાવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ગયા મહિને કહ્યું હતું કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. કુતુબ મિનાર 27 જૈન અને હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તે તમામ મંદિરો ફરીથી બનાવવામાં આવે. આ સાથે હિન્દુઓને કુતુબમિનારમાં પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.

ભાજપના પૂર્વ સાંસદ તરુણ વિજયે પણ સવાલો ઉઠાવ્યા

ભાજપના પૂર્વ સાંસદ તરુણ વિજયે પણ કુતુબ મિનારને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે કુતુબ મિનાર પરિસરમાં ગણેશની ઊંધી મૂર્તિ છે અને તેમની મૂર્તિને એક જગ્યાએ પિંજરામાં બંધ કરી દેવામાં આવી છે, જેનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તરુણ વિજયે કહ્યું હતું કે ગણેશની મૂર્તિઓ કાં તો દૂર કરવી જોઈએ અથવા `સન્માનપૂર્વક` સ્થાપિત કરવી જોઈએ.

national news