ગામડાંઓની મહિલાઓમાં નથી હોતું એટલું આકર્ષણ

10 November, 2012 06:26 AM IST  | 

ગામડાંઓની મહિલાઓમાં નથી હોતું એટલું આકર્ષણ




સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે મહિલા અનામત બિલનો વિરોધ કરતાં એક વિચિત્ર તર્ક આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વગદાર ઘરની મહિલાઓની જેમ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ આકર્ષક નથી હોતી અને તેથી જ મહિલા અનામત બિલના ફાયદા તેમના સુધી પહોંચી એવી શક્યતા ઓછી છે. બીજેપી સહિતની પાર્ટીએ મુલાયમ સિંહના આ સ્ટેટમેન્ટની ટીકા કરી હતી.

ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં ગુરુવારે લોકોને સંબોધતાં મુલાયમ સિંહે કહ્યું હતું કે ‘બડે-બડે ઘર કી લડકિયાં ઔર મહિલાએ કેવલ ઉપર જા સકતી હૈ, યાદ રખના આપકો મૌકા નહીં મિલેગા, હમારે ગાંવ કી મહિલા મેં ઈતના આકર્ષણ નહીં.’ મુલાયમ સિંહ યાદવ એવું કહેવા માગતા હતા કે જો મહિલા અનામત બિલ પસાર થશે તો માત્ર વગદાર ઘરની મહિલાઓ જ આગળ વધશે, જ્યારે ગરીબ પરિવારની મહિલાઓ પાછળ ધકેલાશે.

અગાઉ ૨૦૧૦માં પણ મુલાયમ સિંહે આવું જ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે જો મહિલા અનામત બિલ પસાર થશે તો સંસદમાં સીટીઓ વાગ્યા કરશે. મહિલા અનામત બિલમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી