લોકસભામાં સમાજવાદી પાર્ટીના સભ્યે પ્રધાનના હાથમાંથી બિલ આંચકી લીધું

20 December, 2012 04:45 AM IST  | 

લોકસભામાં સમાજવાદી પાર્ટીના સભ્યે પ્રધાનના હાથમાંથી બિલ આંચકી લીધું



લોકસભામાં ગઈ કાલે ફરી એક વાર વરવાં દૃશ્યો સર્જાયાં હતાં. સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી-એસટીને અનામત બાબતના બિલનો વિરોધ કરી રહેલી સમાજવાદી પાર્ટીના સભ્યોએ કાલે ભારે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, પાર્ટીના એક સભ્ય યશવીર સિંહે કેન્દ્રીય પ્રધાન વી. નારાયણસામીના હાથમાં બિલની નકલ આંચકી લીધી હતી. નારાયણસામી આ બિલને રજૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ કૉન્ગ્રેસના સભ્યોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જવાબમાં સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ ઉગ્ર નારેબાજી સાથે ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી, જેને કારણે આખરે સ્પીકરને આખા દિવસ માટે લોકસભાની બેઠક મોકૂફ રાખવી પડી હતી. સરકાર હવે આજે લોકસભામાં આ બિલ રજૂ કરશે. પ્રમોશનમાં અનામતની જોગવાઈ ધરાવતું બિલ અગાઉ રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે.

સમાજવાદી પાર્ટીના સભ્યો કાલે લોકસભાની વેલમાં ધસીને સતત બિલનો વિરોધ કરી રહ્યા હતા. સ્પીકરની વારંવાર અપીલ છતાં પણ તેમણે ‘પ્રમોશન મેં આરક્ષણ, નહીં ચલેગા, નહીં ચલેગા’ જેવા નારા પોકારીને વિરોધ ચાલુ રાખ્યો હતો. માત્ર સમાજવાદી પાર્ટી જ નહીં શિવસેના તથા બીજેપીના સભ્યોએ પણ જુદાં-જુદાં કારણોસર વિરોધ ચાલુ રાખતાં સ્પીકરને ગૃહની કામગીરી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બીજેપીના સભ્યોએ દિલ્હીમાં યુવતી પર ગૅન્ગરેપની ઘટનાના વિરોધમાં હોબાળો મચાવ્યો હતો. આ સાથે શિવસેના અને બીજેપીના સભ્યોએ કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬૦૦૦ રૂપિયા કરવાની માગણી સાથે પણ જોરદાર નારેબાજી કરી હતી.

એસસી = શેડ્યુલ્ડ કાસ્ટ

એસટી = શેડ્યુલ્ડ ટ્રાઇબ

બીજેપી = ભારતીય જનતા પાર્ટી