દાનનો હેતુ ધર્મપરિવર્તન ન હોવો જોઈએ : સુપ્રીમ કોર્ટ

12 December, 2022 11:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કપટપૂર્વક કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવા માટે યોગ્ય કાયદાઓ બનાવવા પણ જરૂરી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : દેશમાં વિદેશી ભંડોળથી કરવામાં આવતા ધર્મપરિવર્તનનાં મુખ્ય શિકાર મહિલાઓ અને બાળકો છે. કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર એને રોકવામાં યોગ્ય પગલાંઓ ભરવામાં નિષ્ફળ રહી હોવાનું સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા દ્વારા કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલે કાયદાકીય રીતે કોઈ પગલાં ભરવામાં ન આવતાં સામાજિક તથા આર્થિક રીતે પછાત લોકોનું ધર્મપરિવર્તન કરવા માટે જાતજાતની યોજનાઓ બનાવવામાં આવે છે. 

જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દાનનો હેતુ ધર્મપરિવર્તન ન હોવો જોઈએ. તેમ જ બળજબરીથી કરાવવામાં આવતું ધર્મપરિવર્તન એક ગંભીર મુદ્દો છે. અરજીકર્તાએ કહ્યું હતું કે ‘ધર્મપરિવર્તન રોકવા માટે એનજીઓને વિદેશથી મોકલવામાં આવતી નાણાકીય મદદ અને વ્યક્તિ સહાયે રોકવા પગલાં ભરવાં જરૂરી છે. કપટપૂર્વક કરવામાં આવતા ધર્મપરિવર્તનને રોકવા માટે યોગ્ય કાયદાઓ બનાવવા પણ જરૂરી છે. વળી જે લોકો ધર્મપરિવર્તન કરાવે છે તેમની સંપત્તિઓને પણ જપ્ત કરવી જોઈએ. વિદેશી ભંડોળથી ચાલતી મિશનરી દ્વારા મહિલા તેમ જ બાળકોને નિશાન બનાવવામાં આવે છે. કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર આ મામલે કંઈ કરતી નથી. આવાં જૂથો શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબના સામાજિક તેમ જ આર્થિક રીતે પછાત લોકોનું દબાણ અથવા તો લાલચ દ્વારા ધર્મપરિવર્તન કરે છે. જો તેઓ ધર્મપરિવર્તન કરે તો જ આર્થિક, ​શૈક્ષણિક તેમ જ મેડિકલ સહાય આપવામાં આવે એવી શરતો પણ રાખે છે. આ ઉપરાંત નવો ધર્મ સારો છે એવી વાતો પણ કરે છે. આના કારણે સામાજિક અવ્યવસ્થા પણ સરજાય છે.’ 

કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે તે આ મામલે રાજ્યો પાસેથી માહિતી મેળવી રહી છે જેમાં લાલચ અથવા ધાકધમકી દ્વારા ધર્મપરિવર્તન કરાવવામાં આવતાં હોય છે. કોર્ટે કહ્યું કે દાનનો હેતુ ધર્મપરિવર્તન ન હોવો જોઈએ.

national news new delhi supreme court