પંજાબના કૅપ્ટને આપ્યું રાજીનામું

19 September, 2021 11:38 AM IST  |  Chandigarh | Agency

જાણ વગર કૉન્ગ્રેસ વિધાનસભ્યોની બેઠક બોલાવવાના નિર્ણયથી અમરિન્દર સિંહ નારાજ હતા, અપમાનિત કરાયા હોવાનો મૂક્યો આક્ષેપ, નવા સીએમ તરીકે પાકિસ્તાનના જનરલના મિત્ર નવજોત સિંહ સિધુના નામનો કરશે વિરોધ

રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને ગઈ કાલે ચંદીગઢમાં રાજીનામાનો પત્ર આપતા પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અ​મરિન્દર સિંહ. પી.ટી.આઇ.

ગઈ કાલે પંજાબ રાજ્ય સરકારના કૉન્ગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકથી થોડો વખત પહેલાં કૅપ્ટન અમરિન્દર સિંહે રાજ્યના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા સાથે સમગ્ર પ્રધાન મંડળનાં રાજીનામાં સુપરત કર્યાં હતાં. ગઈ કાલે પંજાબના મુખ્ય પ્રધાનના મીડિયા ઍડ્વાઇઝર રવીન ઠુકરાલે મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાન મંડળનાં રાજીનામાં પંજાબના રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યાં હોવાની જાહેરાત સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કરી હતી. 
અગાઉ પક્ષના મોવડી મંડળે નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાનો માર્ગ મોકળો કરવા રાજીનામું આપવાની સ્પષ્ટ સૂચના અમરિન્દર સિંહને આપી હોવાનું જાણવા મળ્યું હતું. કૅપ્ટન અમરિન્દર સિંહે અપમાનજનક વર્તન સાથે પરેશાનીને કારણે કૉન્ગ્રેસ છોડવાની ધમકી પણ આપી હતી. મુખ્ય પ્રધાનનાં વિશ્વાસુ સૂત્રોએ જણાવ્યું હતું કે કૅપ્ટને હેરાનગતિ અને અપમાન ચાલતાં રહેશે તો પક્ષ છોડવાની તૈયારી હોવાનું સોનિયા ગાંધીને ગઈ કાલે સવારે ફોન પર જણાવ્યું હતું. 
ગઈ કાલે સવારે ૧૧.૪૨ વાગ્યે કૉન્ગ્રેસના પંજાબનો અખત્યાર સંભાળતા મહામંત્રી હરીશ રાવતે કૉન્ગ્રેસ વિધાનસભા પક્ષની તાકીદની બેઠક યોજાઈ હોવાની જાહેરાત કરી ત્યારથી રાજ્યમાં નાટ્યાત્મક ઘટનાઓ બનવા માંડી હતી. એ જાહેરાત પછી ૧૦ મિનિટ બાદ અસંતુષ્ટ નેતા નવજોત સિંહ સિધુએ પંજાબના તમામ કૉન્ગ્રેસી વિધાનસભ્યોને એ તાકીદની બેઠકમાં હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો. અમરિન્દરનું કહેવું હતું કે આ મીટિંગ વિશે એમને જાણ કરવામાં જ નહોતી આવી. રાજીનામા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાન તરીકે નવજોત સિંહ સિધુના નામનો વિરોધ કરશે, કારણ કે તે  પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને જનરલ બાજવાના મિત્ર છે. પંજાબ એક સરહદી રાજ્ય હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો પણ પ્રશ્ન છે તેથી મારા દેશ માટે પણ હું સિ​દ્ધુનો વિરોધ કરીશ’ 
કોણ બનશે નવા મુખ્ય પ્રધાન?
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે આપેલા રાજીનામા બાદ કૉન્ગ્રેસના વિધાનસભ્યોની મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના નવા મુખ્ય પ્રધાનનું નામ કૉન્ગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે. કૉન્ગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી પંજાબના નવા સીએમ મામલે નિર્ણય લેશે. બેઠકમાં આવો જ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કુલ ૭૮ વિધાનસભ્યો હાજર હતા, જેમાં કેટલાક અમરિન્દર સિંહના સમર્થકો પણ હતા. સોનિયા ગાંધી કોને મુખ્ય પ્રધાન જાહેર કરશે એ મામલે હવે જોવું રહ્યું.

સમય આવતાં રાજકીય વિકલ્પો અપનાવીશું : કૅપ્ટન અમરિન્દર સિંહ 

ગઈ કાલે પંજાબના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા કૅપ્ટન અમરિન્દર સિંહે જણાવ્યું હતું કે ‘સમય આવતાં ભવિષ્યના રાજકીય વિકલ્પો સંબંધી નિર્ણયો લેવામાં આવશે. પાંચ દાયકાથી મારી પડખે ઊભેલા મારા ટેકેદારો સાથે સલાહ-મસલત કરીને એ બાબતના નિર્ણયો લઈશું. હાલમાં હું કૉન્ગ્રેસમાં જ છું. બે મહિનાથી પક્ષના કેન્દ્રીય નેતાઓ મારી સાથે અપમાનજનક વર્તન કરે છે. બે વખત રાજ્યના કૉન્ગ્રેસી વિધાનસભ્યોને દિલ્હી બોલાવાયા અને હવે વિધાનસભા પક્ષની બેઠક પણ યોજી છે.

થરૂરે કરી કૉન્ગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ

ત્રણ ટર્મ તિરુવનંતપુરમની લોકસભામાં પ્રતિનિધિત્વ કરનારા કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની તાકીદની જરૂરિયાત દર્શાવી હતી. કૉન્ગ્રેસના પંજાબ એકમમાં અશિસ્ત અને ધાંધલને પગલે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં શશી થરૂરે જણાવ્યું હતું કે ‘કોઈએ સોનિયા ગાંધી વિરુદ્ધ એક શબ્દ કહ્યો નહીં હોવા છતાં તેઓ પક્ષનું પ્રમુખપદ છોડવા ઇચ્છે છે. જો એવું થાય તો અન્ય નેતાએ સૂત્રો સંભાળી લેવા જોઈએ. જો રાહુલ ગાંધી પ્રમુખપદ સંભાળવા ઇચ્છતા હોય તો તેમણે તાકીદે એ જવાબદારી હસ્તગત કરી લેવી જોઈએ.’ યોગાનુયોગ કૉન્ગ્રેસનાં કેટલાંક સંગઠનો રાહુલ ગાંધીને નવા પ્રમુખ બનાવવાની માગણી કરી રહ્યાં છે.

national news chandigarh