મુસ્લિમ યુવતી ૧૬ વર્ષની વયે લગ્ન કરી શકે

21 June, 2022 08:15 AM IST  |  Chandigrah | Gujarati Mid-day Correspondent

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે મુસ્લિમ પર્સનલ લૉના આધારે આપ્યો ચુકાદો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના જસ્ટિસ જસજિત સિંહ બેદીની સિંગલ જજની બેન્ચે તાજેતરમાં ૧૬ વર્ષની મુસ્લિમ યુવતીનાં લગ્નને માન્યતા આપી છે. ૨૧ વર્ષના યુવક અને ૧૬ વર્ષની યુવતીએ રક્ષણ માટે હાઈ કોર્ટનું શરણું લીધુ હતું ત્યારે કોર્ટે કહ્યું કે ૧૬ વર્ષથી વધુ વયની મુસ્લિમ યુવતી પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરી શકે છે. બેન્ચે કહ્યું કે અરજી કરનારે તેમના પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કર્યાં હોવાથી ભારતીય બંધારણે તેને આપેલા મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકાય નહીં.  

કોર્ટે જણાવ્યા પ્રમાણે દંપતીનાં લગ્નને ૮ જૂને મુસ્લિમ વિધિ મુજબ મંજૂર કરવામાં આવ્યાં હતાં. દંપતીએ દલીલ કરી હતી કે મુસ્લિમ કાયદા મુજબ વ્યક્તિ ૧૫ વર્ષની વયે લગ્ન માટે જરૂરી પરિપક્વતા મેળવે છે એથી કોઈ પણ પેરન્ટ્સને દંપતીની અંગત બાબતોમાં દખલ દેવાનો અધિકાર નથી. જસ્ટિસ બેદીએ મુસ્લિમ પર્સનલ લૉની કલમ ૧૯૫ મુજબ યુવતી ૧૬ વર્ષથી વધુ વયની હોય તો લગ્ન કરવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું છે. બન્ને મુસ્લિમ પર્સનલ લૉ મુજબ લગ્ન કરવા માટે સક્ષમ છે. 

national news chandigarh haryana