પુલવામા પાર્ટ-ટૂ નિષ્ફળ : ૪૦૦ જવાનોની ઘાત ટળી

29 May, 2020 08:44 AM IST  |  Mumbai Desk | Agencies

પુલવામા પાર્ટ-ટૂ નિષ્ફળ : ૪૦૦ જવાનોની ઘાત ટળી

નાપાક મુરાદ બર ન આવી : પુલાવામા જેવો જ આતંકવાદી હુમલો કરવા માટે વિસ્ફોટકો ભરેલી આ કાર ટેરરિસ્ટો મૂકી હતી જે સલામતી દળોના હાથમાં આવી અને તેમણે આ વિસ્ફોટકોનો સ્ફોટ કરીને કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. તસવીર : પી.ટી.આઈ.

૨૦૧૯ના પુલવામા આતંકવાદી હુમલાના બરાબર એક વર્ષ અને ૧૦૩ દિવસ બાદ આજે ફરીથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પુલવામા-સ્ટાઇલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ ભરેલા સમયસરનાં પગલાંને કારણે એ સંભવિત હુમલો નિષ્ફળ બનાવાયો હતો. સુરક્ષા દળો અંદાજે ૨૦ કિલો આઇઈડી વિસ્ફોટક દારૂગોળો ભરેલી કાર અટકાવવામાં સફળ થયા હતા. જોકે કારનો ડ્રાઇવર સુરક્ષા દળોએ કાર પર ગોળીબાર કરતાં ભાગી છૂટવામાં સફળ થયો હતો. સુરક્ષા દળોએ આ કાર જપ્ત કરીને કારને એક સૂમસામ જગ્યાએ લઈ જઈને એમાં રહેલા દારૂગોળાનો નાશ કરીને ફરીથી પુલવામાનું પુનરાવર્તન થતું અટકાવ્યું હતું. અવાવરુ સ્થળે કારને કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવામાં આવી ત્યારે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કારનો કાટમાળ ૫૦ મીટર ઉપર સુધી ઊછળ્યો હતો અને આસપાસનાં મકાનોની બારીઓ પણ તૂટી ગઈ હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મ્દ નામના આતંકવાદી સંગઠને આ દારૂગોળો ભરેલી કારની જવાબદારી સ્વીકારી હતી.
દરમ્યાન આઇજી વિજયકુમારે દાવો કર્યો કે આતંકવાદીઓ કારમૉમ્બ દ્વારા દેશના સીઆરપીએફના ૪૦૦ જવાનોને ઉડાડી દેવાનો બદઇરાદો ધરાવતા હતા, પરંતુ સુરક્ષા દળોએ તેમનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવીને ફરીથી પુલવામા પાર્ટ-ટૂ ન થાય એમાં સફળતા મેળવી છે. ગુરુવારે શ્રીનગરથી સીઆરપીએફની ૨૦ ગાડીઓનો કાફલો શ્રીનગરથી જમ્મુ પહોંચ્યો છે. પોલીસે આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ થયાનો દાવો કર્યો છે. એમાં પહેલું નામ આદિલ, બીજાનું ફૌજી ભાઈ છે. ત્રીજો કારનો ડ્રાઇવર હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે. પુલવામા હુમલાની જેમ આ કેસની તપાસ પણ એનઆઇએને સોંપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી વિજયકુમારે કહ્યું કે અમારી પાસે ઇનપુટ્સ હતાં કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આ કાર્યવાહી કરવાના હતા અને આ જંગ-એ-બદ્રના દિવસે જ કરવાના હતા, પરંતુ સેનાએ બાજનજર રાખીને ખૂબ જ સતર્કતા રાખી હતી. સેનાના ઑપરેશનને લીધે તેઓ એ કામ કરી શક્યા નહીં. સફેદ સૅન્ટ્રો કારમાં વિસ્ફોટક ભર્યો હતો જેનું રજિસ્ટ્રેશન થયું હતું અને એનો માલિક જમ્મુના કઠુઆનો રહેવાસી હતો. જે આતંકવાદી કાર ચલાવી રહ્યો હતો તેનું નામ આદિલ હતું.
એક તરફ ભારત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સક્રિય બન્યા હોય એમ સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યા છે. દરમ્યાન સ્થાનિક પોલીસ અને આઇબીને એવી જાણકારી મળી હતી કે કેટલાંક આતંકવાદી સંગઠનો ફરીથી પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં છે અને એક કારમાં ૨૦થી ૨૫ કિલો જેટલો ઇમ્પ્રૂવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઈડી) દારૂગોળો લઈને નીકળ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ જાણકારીના આધારે એ કાર શોધી કાઢી હતી અને એને વસ્તીથી દૂર લઈ જઈને ઉડાડી દઈને એમાં રહેલા દારૂગોળાનો નાશ કર્યો હતો. સત્તાવાળાઓનું માનવું હતું કે વધુ એક પુલવામા હુમલો અટકાવી શકાયો છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ કાર પર ફાયરિંગ કર્યું હતું, પણ ડ્રાઇવર કાર છોડીને ફરાર થઈ ગયો હતો. તપાસ દરમ્યાન ગાડીની પાછળની સીટ પર આઇઈડી વિસ્ફોટથી ભરેલું ડ્રમ મળી આવ્યુ હતું. ત્યાર બાદ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને બોલાવાઈ હતી જેમણે બૉમ્બને ડિસ્પોઝ કર્યો હતો.
સુરક્ષા દળોએ કાર નજીક જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર રાત કારની વૉચ રાખી હતી. ત્યાર બાદ આસપાસનાં ઘરને ખાલી કરાવી દીધાં હતાં અને વિસ્ફોટ વડે કારને ઉડાડી દેવાઈ હતી.

national news pulwama district terror attack