પુલવામા હુમલાના કાવતરાખોર બે આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

01 August, 2021 09:51 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

લંબુ જૈશ-એ-મોહમ્મદના અધ્યક્ષ મસૂદ અઝહરનો હતો રીલેટિવ, હુમલામાં એણે તૈયાર કરેલા આઇઇડીનો જ ઉપયોગ કરાયો હતો

બે આતંકવાદી

દક્ષિણ કાશ્મીરના પુલવમામાં ગઈ કાલે સલામતી દળો સાથે એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અને એ સંગઠનના સર્વોચ્ચ મુકાયા મૌલાના મસૂદ અઝહરના સગા સહિત બે આતંકવાદી માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ ઇસ્માઇલ અલવી ઉર્ફે લંબુ ઉર્ફે અદનાન મસૂદ અઝહરનો સંબંધી હોવા ઉપરાંત પુલવામા ટેરર અટૅકનું કાવતરું ઘડનાર પણ હતો. વર્ષ ૨૦૧૯ના લેથોપુરા- પુલવામા ટેરર અટૅકમાં સી.આર.પી.એફ.ના ૪૦ જવાનો માર્યા ગયા હતા. એ આતંકવાદી હુમલાના કેસમાં એન.આઇ.એ.ની ચાર્જશીટમાં લંબુ ઉર્ફે અદનાનના નામનો સમાવેશ છે.  લંબુ આઇઇડી વિસ્ફોટક બનાવવામાં માહેર હતો. જેનો ઉપયોગ અફઘાનીસ્તાનમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. પુલવામાં પણ તેણે તૈયાર કરેલા વિસ્ફોટકનો જ ઉપયોગ કરવામા આવ્યો હતો.  પુલવામાના નાગબેરાન-તરસાર જંગલ વિસ્તારમાં ગઈ કાલે લશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની જૉઇન્ટ ટીમે બે આતંકવાદીને ખતમ કર્યા હતા. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી જૉઇન્ટ ટીમે એ વિસ્તારને કોર્ડન કર્યો હતો.  ત્યાર પછી આતંકવાદીઓએ કરેલા ગોળીબારના જવાબમાં સલામતી દળોએ ગોળીબાર કર્યો હતો, તેમાં બન્ને ખૂંખાર  અપરાધી  માર્યા ગયા હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા આતંકવાદીની ઓળખ સમીર દાર તરીકે થઈ છે. તે પણ પુલવામાં હુમલામાં સામેલ હતો.. 

national news srinagar pulwama district