પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરાશે : નીતિન ગડકરી

07 May, 2020 02:18 PM IST  |  New Delhi | Mumbai Correspondent

પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરાશે : નીતિન ગડકરી

નીતિન ગડકરી

પરિવહન અને હાઇવે પુનઃ શરૂ કરવાથી જનતામાં વિશ્વાસનો સંચાર થશે અને કેટલીક માર્ગદર્શિકાઓ સાથે ટૂંક સમયમાં જ જાહેર પરિવહન સેવા ફરી શરૂ કરવામાં આવી શકે છે, તેમ રોડવેઝ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું.

૨૪મી માર્ચના રોજ પ્રથમ લૉકડાઉનની જાહેરાત થઇ, ત્યારથી બંધ રહેલું જાહેર પરિવહન ટૂંક સમયમાં જ શરૂ થઇ શકે છે, તેમ મંત્રીએ ટ્રાન્સપોર્ટરોને બુધવારે જણાવ્યું હતું.

જોકે, તેમણે બસો અને કાર ચલાવવા દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તથા હાથ ધોવા, સેનિટાઇઝર, ફેસ માસ્ક વગેરેનો ઉપયોગ કરીને સલામતીનાં તમામ પગલાંઓનું પાલન કરવાની ચેતવણી આપી હતી.

ગડકરીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફત બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના સભ્યોને સંબોધન કર્યું હતું.

કોરોનાવાઇરસના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલું દેશવ્યાપી લૉકડાઉન ૧૭મી મે સુધી ચાલુ રહેશે. આ દરમિયાન રેલવે, ફ્લાઇટ સેવા સદંતર બંધ છે.

જોકે, રેલવેએ ફસાયેલા સ્થળાંતરિતોના પરિવહન માટે ૧૦૦થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી.

ગડકરીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશ અને તેનો ઉદ્યોગ સાથે મળીને – કોરોનાવાઇરસ અને આર્થિક મંદી – એ બંને સામેનો જંગ જીતી જશે.

કન્ફેડરેશનના સભ્યોએ જાહેર પરિવહનની સ્થિતિ સુધારવા માટેનાં સૂચનો કર્યાં હતાં, જેમાં વ્યાજની ચૂકવણીમાં માફી, જાહેર પરિવહન સેવા પુનઃ શરૂ કરવી, એમએસએમઇના લાભ પૂરા પાડવા, ઇન્શ્યોરન્સ પોલિસીની સમય મર્યાદા લંબાવવી વગેરે માટેનાં સૂચનો કર્યાં હતાં.

nitin gadkari new delhi national news