પીએમ કેર્સ ફંડમાં પીએસયુના સ્ટાફે ૧૫૫ કરોડ રૂપિયા આપ્યા

08 December, 2020 02:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીએમ કેર્સ ફંડમાં પીએસયુના સ્ટાફે ૧૫૫ કરોડ રૂપિયા આપ્યા

પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પીએમકેર્સ ફંડમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓએ ૧૫૫ કરોડ રૂપિયા આપ્યા હોવાની જાણકારી માહિતી અધિકાર કાયદા હેઠળ મગાયેલી માહિતીમાં જણાવાયું હતું.

સૌથી વધુ રકમ એટલે કે ૨૯ કરોડ રૂપિયા તો એકલા ઓએનજીસીના સ્ટાફે આપ્યા હતા. જાહેર ક્ષેત્રની ૧૦૦ કંપનીઓના સ્ટાફે કુલ ૧૫૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ જાહેર ક્ષેત્રની કંપનીઓએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી મથાળા હેઠળ આપેલા નાણાં તો અલગ.

એક પ્રતિષ્ઠિત અખબારે માહિતી પ્રાપ્ત કરવાના અધિકારના કાયદા (આરટીઆઇ) હેઠળ માગેલી માહિતીરૂપે આ જવાબ મળ્યો હતો. આર્થિક દ્રષ્ટિએ નબળા ગણાતા બીએસએનલ દ્વારા પણ  ૧૧.૪૩ કરોડ રૂપિયા આપ્યા હતા. હાલ બીએસએનએલની આર્થિક સ્થિતિ કંગાળ છે છતાં આટલી રકમ નોંધાવી હતી.

આરટીઆઇ દ્વારા મળેલી માહિતી મુજબ જાહેર ક્ષેત્રની ઓછામાં ઓછી ૨૪ કંપનીએ પોતાના સ્ટાફના પગારમાંથી એક-એક કરોડ કે તેથી વધુ રૂપિયા પીએમ કેર્સ ફંડમાં જમા કરાવ્યા હતા.

અત્યાર અગાઉ પીએમઓ દ્વારા આ માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ વર્ષના માર્ચમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ આ ફંડ શરૂ કરાયું હતું. આરટીઆઇ એક્ટની ટુ એચ અન્વયે વડા પ્રધાન કાર્યાલય પણ આવી માહિતી આપવા બંધાયેલું હતું. એક અંગ્રેજી અખબારે આ કલમ હેઠળ માહિતી માગી હતી.

national news right to information