કિંગફિશરના કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લીધી

26 October, 2012 05:23 AM IST  | 

કિંગફિશરના કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લીધી



કિંગફિશર ઍરલાઇન્સના કર્મચારીઓએ ગઈ કાલથી તેમની ૨૬ દિવસ જૂની હડતાળ પાછી ખેંચી લઈ કામ પર પાછા ચડી ગયા હતા. કંપનીના મૅનેજમેન્ટ અને કર્મચારી યુનિયનો વચ્ચે બે કલાક ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૪ કલાકમાં કર્મચારીઓના સૅલરી બૅન્ક-અકાઉન્ટમાં માર્ચ-૨૦૧૨નો પગાર જમા થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં ચાર મહિનાનો પગાર આપી દેવામાં આવશે. ત્યાર બાદ કંપનીની આર્થિક હાલત સુધરતાં બાકીના મહિનાનો પગાર પણ આપવામાં આવશે.

હવે કર્મચારીઓ કામ પર પાછા ફરતાં કંપની સામે મોટો પ્રશ્ન તેમનું સસ્પેન્ડ થયેલું લાઇસન્સ પાછું મેળવવાનો છે. આ માટે કમસે કમ ત્રણથી ચાર અઠવાડિયાંનો સમય લાગશે. કિંગફિશર ઍરલાઇન્સનું ફ્લાઇંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) ૨૦ ઑક્ટોબરે લીધો હતો. આગામી આદેશ ન મળે ત્યાં સુધી એ કોઈ ઉડાન ભરી શકશે નહીં એવી સ્પષ્ટતા પણ ડીજીસીએએ કરી હતી.

છેલ્લા દસ મહિનામાં કિંગફિશરની અનેક ફ્લાઇટ્સ રદ થઈ હતી એટલે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એને પગલે પાંચમી ઑક્ટોબરે ડીજીસીએએ ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીની કિંગફિશર ઍરલાઇન્સને શો-કૉઝ નોટિસ આપી હતી. કિંગફિશરનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત વખતે સિવિલ એવિયેશન મિનિસ્ટર અજિત સિંહે કહ્યું હતું કે ‘સલામતીને ધ્યાનમાં રાખીને એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એન્જિનિયરો હડતાળ પર ઊતરી ગયા હોવાને લીધે એનાં પ્લેનનું ઘણા મહિનાથી મેઇન્ટેનન્સ થયું નથી. પ્લેનની જાળવણી બરાબર થઈ ન હોવાને લીધે પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકી ન શકાય.’

જોકે કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરતાં ગઈ કાલે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજય અગરવાલે કહ્યું હતું કે ‘કંપનીના પાઇલટો, એન્જિનિયરો અને બીજા કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે અને હવે અમે સાથે રહીને કામ કરીશું.’

હવે કંપની સૌપ્રથમ ડીજીસીએ સમક્ષ ઍરલાઇનના ફાઇનૅન્શિયલ અને ઑપરેશનલ પ્લાન રજૂ કરશે જેથી એનું સસ્પેન્ડ થયેલું લાઇસન્સ પાછું મળી શકે અને કંપની હવાઈ સર્વિસ ફરી શરૂ કરી શકે.

કિંગફિશરના પાઇલટ અને એન્જિનિયરોને સાત મહિનાથી પગાર આપવામાં નહીં આવતાં ૩૦ સપ્ટેમ્બરથી તેઓ હડતાળ પર ઊતરી ગયા હતા. આના પગલે કિંગફિશરે પહેલી ઑક્ટોબરથી આંશિક રીતે પોતાનું કામકાજ બંધ કરી દીધું હતું. કંપનીને આજ સુધીમાં ૮૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીના માથે ૭૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે.