અયોધ્યામાં રામમંદિર નિર્માણ પહેલાં જ ટ્રસ્ટના મુદ્દે સાધુ-સંતોમાં વિખવા

17 November, 2019 10:02 AM IST  |  Mumbai

અયોધ્યામાં રામમંદિર નિર્માણ પહેલાં જ ટ્રસ્ટના મુદ્દે સાધુ-સંતોમાં વિખવા

પ્રતિકાત્મક તસવીર

અયોધ્યામાં રામમંદિર નિર્માણનો રસ્તો તો સાફ થઈ ગયો છે, પણ મંદિર બનાવવા માટેના ટ્રસ્ટને લઈને સાધુ-સંતો વચ્ચે વિખવાદ શરૂ થઈ ગયો છે.
આ બાબતે સંત સમાજ વચ્ચે મતભેદો સર્જાયા છે. અયોધ્યાની તપસ્વી છાવણીના મહંત સર્વેશ્વર દાસે પરમહંસ દાસનો બહિષ્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે પરમહંસ દાસને ઉત્તરાધીકારી બનાવ્યા હતા, પણ તેમનું આચરણ યોગ્ય નથી, આજથી તપસ્વી છાવણી સાથે પરમહંસ દાસને કોઈ સંબંધ નથી.
આ મામલામાં રામમંદિર નિર્માણ માટે ઉપવાસ કરનારા સંત પરમહંસ દાસ અને શ્રીરામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સદસ્ય ડૉ. રામવિલાસ વેદાંતીનો એક ઑડિયો વાઇરલ થયો છે જેમાં પરમહંસ દાસ પર અભદ્ર ટિપ્પણી કરાઈ છે. એ બાદ નાની છાવણીસ્થિત સંખ્યાબંધ સંતોએ તપસ્વી છાવણી ખાતે પહોંચીને હંગામો કર્યો હતો. એ પછી પોલીસને સ્થળ પર પહોંચવું પડ્યું હતું. પોલીસે પરમહંસ દાસને જિલ્લા બહાર મોકલી દીધો છે સાથે-સાથે તપસ્વી છાવણીની સુરક્ષાવ્યવસ્થા વધારવામાં આવી છે. એ પછી સંતો વચ્ચેનો શાબ્દિક જંગ ઉગ્ર બન્યો છે. હંગામા બાદ ન્યાસના વરિષ્ઠ સદસ્ય ડૉ. રામવિલાસ વેદાંતીએ કહ્યું છે કે ‘કોઈ મારા અવાજમાં વાઇરલ ઓડિયોમાં વાત કરી રહ્યું છે અને પરમહંસ દાસ મને બદનામ કરવાનુ ષડ્યંત્ર રચી રહ્યા છે. મેં ક્યારેય પૂજ્ય નૃત્ય ગોપાલ દાસ માટે પણ અઘટિત શબ્દો વાપર્યા નથી.
પરમહંસ દાસે ઓડિયો વાઇરલ થયા બાદ કહ્યું હતું કે રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ રામ સત્તા અને સંપત્તિની લાલસામાં રામમંદિરના નિર્માણના પૈસા વાપરી રહ્યા છે. એ પછી નૃત્ય ગોપાલ દાસના સમર્થકોએ પરમહંસ દાસના ઘર પર હુમલો પણ કર્યો હતો. જોકે સમય પર પહોંચેલી પોલીસે તેમને બચાવી લીધા હતા. દરમ્યાન રામ વિલાસ વેદાંતીના ઘરની સુરક્ષા પણ વધારાઈ છે. બીજી તરફ પરમહંસ દાસે મહંત નૃત્ય ગોપાલ દાસ પર પોતાની હત્યા કરાવવા માટે સમર્થકોને મોકલવાનો આરોપ લગાવ્યો છે તેમ જ તપસ્વી છાવણી પર કબજો કરવાની કોશિશનો આક્ષેપ પણ કર્યો છે.

ayodhya verdict national news