13 August, 2025 07:56 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી ગઠબંધનના અનેક સંસદસભ્યોએ ગઈ કાલે પણ ચૂંટણીપંચનો વિરોધ ચાલુ રાખ્યો હતો
કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી ગઠબંધનના અનેક સંસદસભ્યોએ ગઈ કાલે પણ ચૂંટણીપંચનો વિરોધ ચાલુ રાખ્યો હતો. આ સંસદસભ્યો ‘૧૨૪ નૉટ આઉટ, મિન્તા દેવી’ એવું લખાણ ધરાવતાં ટી-શર્ટ પહેરીને સંસદના પરિસરમાં મકર દ્વાર સામે પહોંચ્યા હતા. બિહારની ડ્રાફ્ટ મતદારયાદીમાં ૧૨૪ વર્ષનાં મતદાર તરીકે મિન્તા દેવીનું નામ છે. જોકે વિશ્વની સૌથી વૃદ્ધ સત્તાવાર વ્યક્તિની ઉંમર ૧૧૫ વર્ષની છે. ડ્રાફ્ટની યાદીમાં મિન્તા દેવીને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ કરતાં નવ વર્ષ મોટાં દર્શાવવામાં આવ્યાં છે.
કૉન્ગ્રેસના સંસદસભ્ય મણિકમ ટાગોરે આ મુદ્દે કહ્યું હતું કે ચૂંટણીપંચ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. ૩૪ વર્ષનાં મતદારને ૧૨૪ વર્ષનાં બનાવી દેવામાં આવ્યાં છે. અમે આ વિષય પર ચર્ચા ઇચ્છીએ છીએ. બિહારની ડ્રાફ્ટ મતદારયાદી બનાવટી નામો સાથેની બનાવટી મતદારયાદી છે. અમે વિરોધના પ્રતીક તરીકે આ ટી-શર્ટ પહેર્યું છે.’
બિહારના સીવાન જિલ્લામાં મતદારયાદીના પુનઃનિરીક્ષણની પ્રક્રિયાની લાપરવાહીમાં ૩૪ વર્ષનાં મિન્તા દેવીને ૧૨૪ વર્ષનાં બનાવી દેવામાં આવ્યાં છે, જેને પગલે વિપક્ષોને ટીકા કરવાનો મોકો મળી ગયો છે. સીવાનના દુરૌંધા વિધાનસભા ક્ષેત્રમાં આવતા અરજાનીપુર નામના ગામમાં રહેતાં મિન્તા દેવીએ મતદારયાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા ઑનલાઇન ફૉર્મ ભર્યું હતું. તેમના આધાર કાર્ડ મુજબ જન્મતારીખ ૧૫ જુલાઈ ૧૯૯૦ છે, પણ જ્યારે તેમને ઓળખપત્ર મળ્યું તો એમાં જન્મતારીખ ૧૫ જુલાઈ ૧૯૦૦ લખાઈને આવી હતી..
કેરલાની મહિલાનો સનસનાટીભર્યો આરોપ : મારી જાણ વિના મારા ઍડ્રેસ પર ૯ નકલી મત નોંધાયા
કેરલાની પ્રસન્ના નામની એક મહિલાએ દાવો કર્યો છે કે થ્રિસૂર શહેરમાં તેના ઘરના સરનામા પર તેની જાણ બહાર ૯ નકલી મતદારો નોંધાયેલા છે. મારા પરિવારમાંથી હું એકમાત્ર વ્યક્તિ છું જે થ્રિસૂર શહેરમાં મતદાન કરે છે એમ જણાવતાં પ્રસન્નાએ કહ્યું હતું કે ‘શહેરના પૂનકુન્નમ વિસ્તારમાં મારું ઘર 4C, કૅપિટલ વિલેજ અપાર્ટમેન્ટ્સમાં છે. તાજેતરમાં જ જ્યારે કોઈએ ચકાસણી માટે મારો સંપર્ક કર્યો ત્યારે મને ૯ વધારાનાં નામો વિશે જાણવા મળ્યું હતું. અમે અહીં ૪ વર્ષથી રહીએ છીએ. અમારી સંમતિ વિના અમારા સરનામામાં નામ ઉમેરવાં યોગ્ય નથી. આ સંદર્ભમાં મેં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવેલી ફરિયાદ પર હસ્તાક્ષર કર્યા છે.’
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આ મહિલાના મતવિસ્તારમાંથી BJPના સુરેશ ગોપીએ વિજય મેળવ્યો હતો.
પ્રસન્નાએ દાવો કર્યો હતો કે ‘મારા પરિવારમાં ચાર અન્ય પુખ્ત વયના લોકો અને બે બાળકો છે. પુખ્ત વયના લોકો તેમના પૈતૃક ગામ પૂચીનીપડમમાં મતદાન કરે છે અને મતદારયાદીમાં તેમનાં નામ ગામમાં નોંધાયેલાં છે.’
મતદારયાદીઓમાં અનિયમિતતા વિશે વિપક્ષો હોબાળો મચાવી રહ્યા છે એની પૃષ્ઠભૂમિમાં પ્રસન્નાનો આ આરોપ સામે આવ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ BJP પર ચૂંટણીમાં મતચોરીનો આરોપ લગાવ્યો છે.