કૉન્ગ્રેસ હારી, પરંતુ પૃથ્વીરાજ ચવાણની આબરૂ જળવાઈ

20 October, 2014 06:02 AM IST  | 

કૉન્ગ્રેસ હારી, પરંતુ પૃથ્વીરાજ ચવાણની આબરૂ જળવાઈ


મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ કરાડ (સાઉથ)ની સીટ પર પોતાના રાજકીય અસ્તિત્વનો જંગ આખરે જીતી ગયા છે. દોઢ દાયકાથી રાજ્યમાં કૉન્ગ્રેસ સાથે મળીને સત્તા ભોગવનારી સાથીદાર NCPએ પૃથ્વીરાજ ચવાણની સરકારને આપેલો ટેકો ચૂંટણીના પખવાડિયા પહેલાં જ પાછો ખેંચી લેતાં તેઓ ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર બની ગયા હતા. કૉન્ગ્રેસ તેમના માટે સલામત સીટ શોધી રહી હતી અને આખરે છેલ્લી સાત વખતથી પાર્ટી જીતતી આવી હતી એ કરાડ (સાઉથ)ની સીટ પર પૃથ્વીરાજ ચવાણને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે એનાથી નારાજ પાર્ટીના જ સાત વખતના વિજેતા ઉમેદવાર વિલાસકાકા પાટીલે અપક્ષ ઉમેદવારી નોંધાવીને પૃથ્વીરાજ ચવાણને તેમના વતનમાં જ પડકાર્યા હતા. અન્ય વિરોધી પાર્ટીઓએ પણ વિલાસકાકાને પડદા પાછળથી ટેકો આપીને પૃથ્વીરાજ ચવાણને હરાવવાના બનતા પ્રયાસો કર્યા હતા, પરંતુ આખરે તેમણે અસ્તિત્વની આ લડાઈમાં જીત મેળવી હતી.