27 April, 2026 07:14 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નવી દિલ્હી ખાતે પ્રિન્સ મનવેન્દ્ર સિંહ ગોહિલે ઘાના ગણરાજ્યના ભારત સ્થિત ઉચ્ચ આયુક્ત એચ.ઈ. પ્રોફ. ડૉ. ક્વાસી ઓબીરી-ડાન્સોને ‘ઇક્વિટી એનેક્સ એડવોકસી’ પત્ર આપ્યો
જ્યારે કોઈ નવો વાઈરસ ઊભો થાય છે, ત્યારે વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા ગરીબ દેશોને એક જ વાત કહે છે સેમ્પલ્સ આપો, ડેટા શૅર કરો, અને ઝડપથી કરો. દેશો એ કરે પણ છે. પરંતુ પછી પ્રશ્ન ઊભો થાય છે કે એ દેશોને બદલામાં શું મળે છે? વેક્સિન? દવાઓ? ટેક્નોલૉજી ટ્રાન્સફર? ઘણીવાર આમાંનું કંઈ નથી મળતું અથવા ખૂબ મોડું મળે છે. અથવા એવી કિંમતે મળે, જે ગરીબ દેશો માટે પહોંચ બહાર હોય. જે દેશોમાંથી સંશોધન માટે સૌથી વધુ રોગજનકો (પેથોજેન્સ) શેર થાય છે, એ જ દેશો ઘણીવાર તેમાંથી વિકસતા રસી, સારવાર અને તપાસ સાધનોના લાભથી સૌથી છેલ્લે જોડાઈ શકે છે
COVID-19 મહામારીએ આ અસમાન વ્યવસ્થાને સ્પષ્ટ રીતે બહાર લાવી. ઘણા વિકાસશીલ દેશો વેક્સિન્સ માટે રાહ જોતાં રહ્યા, જ્યારે સમૃદ્ધ દેશોએ પહેલેથી જ મોટા જથ્થામાં પુરવઠો સુનિશ્ચિત કરી લીધો. 2021માં શરૂ કરાયેલ C-TAP (COVID-19 Technology Access Pool)નો ઉદ્દેશ ટેક્નોલૉજી શેરિંગ હતો, પરંતુ તેની અસર મર્યાદિત રહી. એચઆઈવી માટેની નવી દવા lencapavir વિશે પણ ઉત્સાહ તો જોવા મળ્યો, પરંતુ તેની કિંમત ગરીબ દેશો માટે હજુ પણ અપ્રાપ્ય છે. એમપૉક્સ જેવા નવા પ્રકોપોમાં પણ આ જ શૈલી જોવા મળી હતી. આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના નીચા અને મધ્યમ આવકવાળા દેશોમાં નવા રોગજનકો ઘણીવાર ઊભા થાય છે. આ દેશો પાસેથી WHO વગેરેને ડેટા આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જે જીવનરક્ષક રસી, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ આ જ સામગ્રી પરથી વિકસે છે, તેના ન્યાયસંગત અને સમયસર લાભ-વહેંચણી માટે કોઈ બાંધકિય તંત્ર નથી. પરિણામે, જોખમ તો વહેંચાય છે, પરંતુ લાભ નહીં.
હાલમાં જિનીવામાં PABS framework (Pathogen Access and Benefit Sharing) પર મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. તેનો મૂળ હેતુ છે સેમ્પલ અને બેનિફિટ શેરિંગ વચ્ચે એક કાનૂની સેતુ ઊભી કરવી. મહામારીના સમયમાં પ્રોડક્શનનો નિશ્ચિત હિસ્સો, ટેક્નોલોજી ટ્રાન્સફર, અને વાજબી કિંમતોની આ માંગ નવી કે ક્રાંતિકારી નથી; આ તો મૂળભૂત ન્યાયનો પ્રશ્ન છે.વિકસિત દેશો અને ફાર્મા ઈન્ડસ્ટ્રી દલીલ કરે છે કે આવા નિયમો ઇનોવેશનને ધીમું કરી શકે. જ્યારે વિકાસશીલ દેશોનો સીધો પ્રશ્ન છે, વૉલેન્ટરી સિસ્ટમ અત્યાર સુધી ક્યારે કામ આવી છે?”
વ્યવહારુ ઉકેલો શક્ય છે, જેમ કે સામાન્ય સમય અને ઈમર્જન્સી માટે અલગ જવાબદારીઓ ધરાવતું ટિયર્ડ સિસ્ટમ, એક ગ્લોબલ ફંડ જે ગરીબ દેશો પરનો આર્થિક ભાર ઘટાડે, અને ટ્રેસેબિલિટી જે માત્ર ટ્રેકિંગ સુધી મર્યાદિત ન રહે, પણ એકાઉન્ટેબલિટી પણ સુનિશ્ચિત કરે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે, જ્યારે વૉલેન્ટરી એપ્રોચ ની મર્યાદાઓને બંને પક્ષ સ્વીકારશે. આગામી મહામારી ક્યારે આવશે તે અસ્પષ્ટ છે. પરંતુ ત્યારે વિશ્વ તૈયાર હશે કે નહીં, તે વર્તમાનની આવી ચર્ચાઓ નક્કી કરશે.