દિલ્હીમાં આજે કૉન્ગ્રેસનું શક્તિ-પ્રદર્શન

03 November, 2012 09:45 PM IST  | 

દિલ્હીમાં આજે કૉન્ગ્રેસનું શક્તિ-પ્રદર્શન



દિલ્હીમાં આજે કૉન્ગ્રેસની જંગી રેલી યોજાશે જેમાં પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધી, વડા પ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ તથા કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનો હાજર રહેશે. ૯ નવેમ્બરથી હરિયાણાના સૂરજકુંડમાં કૉન્ગ્રેસની એક દિવસની ચિંતન શિબિર યોજાવાની છે ત્યારે રામલીલા મેદાન પર યોજાનારી આજની રૅલીમાં આ શિબિરનો એજન્ડા નક્કી થશે એવું મનાઈ રહ્યું છે.

કોલસાકૌભાંડથી લઈને જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા લેટેસ્ટ આક્ષેપોને લઈને કૉન્ગ્રેસ ચારે તરફથી ઘેરાયેલી છે ત્યારે આ રૅલીમાં પાર્ટીના નેતાઓ કેવું વલણ અપનાવે છે એના પર બધાની નજર રહેશે. રૅલીમાં દેશભરમાંથી કૉન્ગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહેશે. કૉન્ગ્રેસે માત્ર રાજ્ય અને જિલ્લા કક્ષાના જ નહીં, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાના કાર્યકરો અને નેતાઓને પણ આજની રૅલીમાં હાજર રહેવાનું ફરમાન આપ્યું હતું. આ ઉપરાંત રૅલીમાં પાર્ટીના ધારાસભ્યો, સંસદસભ્યો અને પ્રધાનો પણ હાજર રહેશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પણ રૅલી મહત્વની માનવામાં આવે છે.