પ્રિયંકા મુદ્દે બોલ્યા PM કહ્યું, 'કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી'

23 January, 2019 08:04 PM IST  | 

પ્રિયંકા મુદ્દે બોલ્યા PM કહ્યું, 'કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી'

પ્રિયંકાની રાજકારણમાં અન્ટ્રી

લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસે જીત માટે પોતાનો હુકમનો એક્કો મેદાનમાં ઉતાર્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ મામલે આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ઈશારા ઈશારામાં પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો માટે પરિવાર જ પક્ષ છે, જ્યારે અમારા માટે પાર્ટી જ પરિવાર છે. તેમણે કહ્યું કે દેશના અન્ય કેટલાક રાજકીય પક્ષોનું ગોત્ર જ કોંગ્રેસ છે. જ્યારે અમે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરીએ છીએ ત્યારે અમારો વિરોધ પણ એ સંસ્કૃતિ સામે જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેરા બૂથ સબસે મજબૂત' અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રના બારામતી, ગઢચિરૌલી, હિંગોળી, નાંદેડ અને નંદુરબારના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કોંગ્રેસ દ્વારા NCP પ્રમુખ શરદ પવારનું અપમાન કરવા પર આલોચના કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'શરદ પવારનો એક જ દોષ હતો કે તે ક્યારેક કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા હતાં. કોંગ્રેસમાં એક પરિવારનો વિરોધ કરવો એ અપરાધ છે. આજે એજ શરદ પવાર કોંગ્રેસ સાથે જોડાયા છે'.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના બારામતી એનસીપી પ્રમુખ શરદ પવાર માટે ગઢ રહ્યો છે. હવે તેમની પુત્રી સુપ્રિયા સુલે આ સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. વર્ષ 1999માં જ્યારે સોનિયા ગાંધીને કોંગ્રેસને અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે સોનિયા ગાંધીને વિદેશ મૂળ હોવાના આક્ષેપ સાથે શરદ પવાર , તારિક અનવર અને પીએ સંગમા જેવા મોટા નેતાઓ કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી જો કે 2004ની લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ મોટા પક્ષ તરીકે બહાર આવીતો NCP યુપીએ સરકારનો ભાગ બની ગઈ.


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની બહેનને કોંગ્રેસની મહાસચિવ બનાવતા ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યૂપી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વારાણસી અને ગોરખપૂરના આ જ વિસ્તારમાં છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલની જવાબદારી સોંપી કોંગ્રેસ માટે મહત્વનું બને છે.