એક મહિનામાં ઓલી PMની ખુરસી ગુમાવશે : નકલી અયોધ્યા પર બોલ્યા સંતો

15 July, 2020 01:28 PM IST  |  New Delhi | Agencies

એક મહિનામાં ઓલી PMની ખુરસી ગુમાવશે : નકલી અયોધ્યા પર બોલ્યા સંતો

નેપાલના વડા પ્રધાન કેપી શર્મા ઓલી

ભગવાન રામ અને અયોધ્યા પર નેપાલના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કેસની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતમાં સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે નેપાલના વડા પ્રધાનના નિવેદન સામે વાંધો ઉઠાવતાં વિશાળ પ્રદર્શનની ચેતવણી આપી છે. એ સિવાય અખાડા કાઉન્સિલે પણ નેપાલના રસ્તા પર દેખાવો કરવાની જાહેરાત કરી છે. અખાડા કાઉન્સિલના પ્રમુખ નરેન્દ્ર ગિરિએ નેપાલના પીએમ કેપી શર્મા ઓલીના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું કે આવતી કાલથી નેપાલમાં આપણા લાખો શિષ્યો રસ્તા પર ઊતરીને એક મહિનામાં ઓલીને વડા પ્રધાનની ખુરસી પરથી ઉતારી મૂકશે.

મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું કે નેપાલ હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ ત્યાંથી માઓવાદીઓનું શાસન આવ્યું ત્યારથી વસ્તુઓ બગડતી જાય છે. પહેલાં તેઓ માઓવાદી હતા, પણ હવે તેઓ આતંકવાદી બની રહ્યા છે. નરેન્દ્ર ગિરિએ એમ પણ કહ્યું કે અસલી અયોધ્યા ભારતમાં છે અને આ અયોધ્યાએ દુનિયાનું નેતૃત્વ કર્યું છે. નેપાલના વડા પ્રધાનનું નિવેદન નિંદનીય છે અને એને માટે તેમણે માફી માગવી જોઈએ.

નેપાલના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ઓલી પોતાના જ ઘરમાં ઘેરાઈ ગયા છે. ઘણા નેપાલી નેતાઓએ ઓલીના નિવેદનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. સોમવારે તેમણે દાવો કર્યો હતો કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવ્યું છે. જ્યારે અસલી અયોધ્યા નેપાલમાં છે.

national news nepal ayodhya