વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવી લૅબનું લોકાર્પણ કર્યું

28 July, 2020 12:59 PM IST  |  New Delhi | Agencies

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવી લૅબનું લોકાર્પણ કર્યું

નરેન્દ્ર મોદી

કોરોના વાઇરસ રોગચાળા સામે ચાલતી લડતમાં પરીક્ષણની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી દેશનાં ત્રણ શહેરો કલકત્તા-પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં નોએડામાં કોરોના લૅબનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરમાં એક દિવસમાં ૧૦,૦૦૦ ટેસ્ટ કરી શકાશે. પ્રધાન મંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે આ સેન્ટર મારફતે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધુ ઝડપ લાવી શકાશે. આ ઉપરાંત ચોક્કસ સમયમાં બીમારી વિશે જાણકારી મેળવવા તથા સારવાર શરૂ કરવામાં મદદ મળશે. આ રીતે સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો.

વર્તમાન સમયમાં દેશમાં પાંચ લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં દરરોજ ૧૦ લાખ ટેસ્ટ થાય એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સમયમાં એક સંકલ્પ છે કે એક-એક ભારતીયને બચાવવાના છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો પીપીઈ કિટ ઉત્પાદક દેશ છે. ૬ મહિના અગાઉ દેશમાં એક પણ ઉત્પાદક ન હતા, આજે ૧૨૦૦થી વધારે ઉત્પાદકો દરરોજ પાંચ લાખથી વધારે પીપીઈ કિટ બનાવી રહ્યા છે. એક સમયે એન-૯૫ માસ્ક પણ બહારથી આયાત થતા હતા, આજે દરરોજ ૩ લાખ માસ્કનું ઉત્પાદન થાય છે.

ત્રીજા દિવસે પણ ઑલમૉસ્ટ ૫૦,૦૦૦ કોરોના કેસ

અનલૉક-3.0માં સિનેમા-જિમ વગેરેને ખોલવાની સંભાવના વચ્ચે અનલૉક-2.0ના ૨૬મા દિવસે કોરોના કેસમાં કોઈ ઘટાડો થવાને બદલે ફરીથી ૫૦,૦૦૦ની નજીક કેસ સામે આવ્યા છે. ગઈ કાલે સોમવારે સવારે છેલ્લા ૨૪ કલાકના એટલે કે રવિવારના આંકડા જાહેર કરાયા ત્યારે કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતાં કુલ કેસ ૧૪ લાખને પાર કરીને ૧૪,૩૫,૪૫૩ થઈ ગયા છે. આ જ સમયગાળામાં વધુ ૭૦૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૨,૭૭૧ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૫૦૨ દરદીઓ સાજા થયા હતા. સાજા થનાર લોકોની સંખ્યા ૯,૧૮,૭૩૫ પર પહોંચી છે. વધુ કેસની સંખ્યામાં હવે કર્ણાટકને પાછળ છોડીને આંધ્ર પ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર હજી પણ સૌથી આગળ છે. ૧ ઑગસ્ટથી અનલૉક-3.0 હેઠળ વધુ છૂટછાટ મળવાની શક્યતા છે, જેમાં સિનેમા થિયેટરો તથા જિમને ખોલવાની મંજૂરી મળી શકે એમ છે.

અન્ય દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાઇરસનો હુમલો ચારેબાજુથી થઈ રહ્યો હોવાથી સતત ત્રીજા દિવસે ૫૦,૦૦૦ની નજીક નવા કેસ નોંધાયા છે.

national news new delhi coronavirus covid19