12 May, 2025 09:35 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેઓ ભારત-પાકિસ્તાન તણાવ પર બોલી શકે છે. પાકિસ્તાન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે, પ્રધાનમંત્રી મોદી પોતે ઘણા સમયથી પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પણ પ્રધાનમંત્રી ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, મંત્રીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યા હતા.
હકીકતમાં, 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે 7 મેની રાત્રે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. આ ઠેકાણાઓમાં રહેતા ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં ડ્રૉન હુમલા તેમજ ભારે ગોળીબાર કરીને બદલો લેવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાને ભારતના સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલાઓમાં જમ્મુ અને કાશ્મીરના ઘણા નાગરિકો માર્યા ગયા હતા, જેમાં વધુ નુકશાન પૂંછ વિસ્તારમાં થયું હતું.
નૂર ખાન સહિત અનેક ઍરબેઝને નિશાન બનાવ્યા
પાકિસ્તાનના કાયરતાપૂર્ણ કૃત્ય બાદ ભારતે પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનમાં નૂર ખાન સહિત અનેક ઍરબેઝ પર હુમલો કર્યો હતો. ભારતની પ્રતિક્રિયા પછી, ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી છે જેમાં ભારતીય મિસાઇલો દ્વારા ઍરબેઝ પર થયેલા નુકસાનને જોઈ શકાય છે.
યુદ્ધવિરામની જાહેરાત
બંને દેશો વચ્ચેના સંઘર્ષ દરમિયાન, ગઈકાલે ૧૦ મેના સાંજે ૫ વાગ્યે બંને દેશો વચ્ચે અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત દરમિયાન, ભારત અને પાકિસ્તાન બંને દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. તેમ કહેવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને હાલ માટે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. યુદ્ધવિરામની જાહેરાત પછી, લોકો પ્રધાનમંત્રી મોદીના સંબોધનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, આજે જાણવા મળ્યું છે કે પીએમ મોદી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ યુદ્ધવિરામની જાહેરાત સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા કરી હતી.
શું છે ઑપરેશન સિંદૂર?
પહલગામ હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ગઇકાલે મોડી રાત્રે બહુ જ મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમ જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીના ઠેકાણાઓને નિશાન બનાવીને `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યું હતું. પહલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલે દક્ષિણ કાશ્મીરમાં થયો હતો જેમાં મુખ્યત્વે પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવેલા નવ ઠેકાણાની વાત કરીએ તો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પીઓકેમાં સ્થિત છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.