વડા પ્રધાન મોદી આખો એગ્રીકલ્ચર બિઝનેસ તેમના બે મિત્રોને સોંપવા ઉત્સુક

14 February, 2021 01:00 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન મોદી આખો એગ્રીકલ્ચર બિઝનેસ તેમના બે મિત્રોને સોંપવા ઉત્સુક

નવા કૃષિ કાયદાના મામલે વડા પ્રધાન મોદી પર આક્ષેપ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર અૅગ્રીકલ્ચર બિઝનેસ તેમના ‘બે મિત્રો’ની ઝોળીમાં નાખવા માગે છે. ગઈ કાલે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં રૂપનગઢ અને મકરાણા એમ બે સ્થળોએ ખેડૂત રૅલીઓને સંબોધી હતી. રૂપનગઢમાં ખેડૂતોની સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતની ૪૦ ટકા જનતા ખેતી અને ખેતી સંબંધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. તેમાં ખેડૂતો ઉપરાંત નાના અને મધ્યમ વેપારીઓ, ટ્રેડર્સ અને મજૂરોનો પણ સમાવેશ છે. એ ૪૦ ટકા જનતાની આજીવિકા જેના પર આધાર રાખે છે, એ આખો અૅગ્રીકલ્ચર બિઝનેસ તેઓ તેમના ‘બે મિત્રો’ને સોંપવા ઇચ્છે છે. કૃષિ સુધારાના કાયદાનો હેતુ ફક્ત બે કૉર્પોરેટ કંપનીઓને લાભ કરાવવાનો છે.

જાહેર સભાના સ્થળે ટ્રેક્ટર ડ્રાઇવ કરતાં પહોંચેલા રાહુલ ગાંધીની એક બાજુ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને બીજી બાજુ કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ ગોવિંદ સિંહ દોસ્ત્રા બેઠા હતા. માથે સાફો વીંટાળીને આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન કહે છે કે તેઓ કૃષિ કાયદારૂપે જનતાને વિકલ્પો આપી રહ્યા છે. એ વિકલ્પો ભૂખ, બેરોજગારી અને આત્મહત્યાના છે.’

national news rahul gandhi narendra modi