પહેલા તબક્કાની ત્રણ કરોડ કોરોના રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે: મોદી

12 January, 2021 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલા તબક્કાની ત્રણ કરોડ કોરોના રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે: મોદી

વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો જોડે બેઠક દરમ્યાન વડા પ્રધાન મોદી (તસવીર: પી.ટી.આઇ.)

કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યું છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરૂ કરાશે. આ પહેલાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે રસીકરણની તૈયારીઓને મુદ્દે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. 

રસીકરણ અભિયાનના પહેલા તબક્કાને લઈને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે દેશ કોરોના મહામારી સામેની જંગમાં નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે અને ભારત દેશ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યો છે.

રાજ્ય સરકારો અને કેન્દ્રની રસીકરણ અભિયાનને શરૂ કરવાની તૈયારીઓને લઇને પીએમ મોદીએ જણાવ્યું કે દેશના તમામ જિલ્લાઓમાં ડ્રાય રન પૂરો કરવામાં આવ્યો છે તે એક મોટી સિદ્ધિ છે. રસીકરણના પહેલા તબક્કા વિશે માહિતગાર કરતાં પીએમ મોદીનું કહેવું હતું કે આ તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, સિવિલ સર્વન્ટ્‌સ, એમ તમામ લોકોને રસી લગાવવામાં આવશે. દેશભરમાં આવા કુલ ૩ કરોડ કર્મચારીઓને પહેલા તબક્કામાં આવરી લેવામાં આવશે જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. મોદીએ જનપ્રતિનિધિઓને સલાહ આપતા કહ્યું હતું કે તેમણે લાઇનમાં ઘૂસ ન મારવી જોઈએ તેમ જ પોતાના વારાની રાહ જોવી જોઈએ.

જોકે દેશમાં બે કોરોના વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી બાદ વિપક્ષ દ્વારા ઊભા કરવામાં આવેલા સવાલોને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે જે બે કોરોના વૅક્સિનને મંજૂરી આપી છે તે બન્ને વૅક્સિન ભારતમાં ઉત્પાદન થયેલી છે. પીએમ મોદીએ કોરોના વૅક્સિનને મુદ્દે અફવાઓથી બચવાની સલાહ આપતા કહ્યું હતું કે રસીને લઈને આવી રહેલી અફવાઓ પર અંકુશ મેળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે આગળ જણાવ્યું હતું કે રસીની સાઇડ ઇફેક્ટ સામે આવે તો આ માટે તંત્ર ઊભું કરાયેલું છે.

coronavirus covid19 national news narendra modi