વડા પ્રધાન મોદીએ કહ્યું કે ૨૬/૧૧ના હુમલાના ઘાને ભારત નહીં ભૂલી શકે

27 November, 2021 10:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડિપ્લોમેટને બોલાવીને ઝડપથી હુમલાના સૂત્રધારોને સજા આપવા જણાવ્યું

ફાઇલ ફોટો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારત ૨૦૦૮ના મુંબઈ ટેરર અટેક્સના ઘાને નહીં ભૂલી શકે. બીજી તરફ વિદેશ મંત્રાલયે સિનિયર પાકિસ્તાની ડિપ્લોમેટને બોલાવીને આ હુમલાના કાવતરાખોરો વિરુદ્ધની સુનાવણી ઝડપથી કરવાની માગણી કરી હતી. 
૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈમાં થયેલા હુમલામાં ૧૬૬ જણનાં મોત નીપજ્યાં હતાં
વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારત મુંબઈ હુમલાના ઘાને નહીં ભુલાવી શકે. હવે આજનું ભારત નવી નીતિ અને નવી રીતે આતંકવાદનો સામનો કરે છે. મુંબઈ હુમલામાં મૃત્યુ પામનારા તમામને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ હુમલામાં અનેક બહાદુર પોલીસ જવાનો શહીદ થયા હતા. હું તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવું છું.’
દરમ્યાન નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના સિનિયર ડિપ્લોમેટને સમન્સ પાઠવીને વિદેશ મંત્રાલયે તેમને એક નોંધ આપી હતી. જેમાં આ હુમલાના કેસમાં ઝડપથી સુનાવણી હાથ ધરવા કહેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ આક્રોશની વાત છે કે આ ભયાનક આતંકવાદી હુમલાના ૧૫ દેશોના ૧૬૬ પીડિતોના પરિવારો ૧૩ વર્ષ પછી પણ હજી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાને દોષિતોને સજા આપવામાં ગંભીરતા દાખવી નથી.’

national news 26/11 attacks the attacks of 26/11