કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો ૫૫ રૂપિયાનો વધારો

02 December, 2020 12:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો ૫૫ રૂપિયાનો વધારો

ફાઈલ તસવીર

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે સરકારી કંપનીઓએ રાંધણ ગૅસના ભાવમાં ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પણ ઘરેલુ રાંધણ ગૅસ સિલિન્ડર (એલપીજી)ના ભાવમાં ફેરફાર થયો નથી. આ અગાઉ ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસીએ રસોઈ ગૅસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો નહોતો. જોકે ૧૯ કિલોના કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયા સુધીનો વધારો થયો છે.

આ અગાઉ ૧૪ કિલોના રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે જુલાઈ, ૨૦૨૦માં ચાર રૂપિયા વધારવામાં આવ્યા હતા. તે પહેલાં જૂન દરમ્યાન દિલ્હીમાં ૧૪.૨ કિલોનું સબસિડી વિનાનું એલપીજી સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા મોંઘું થયું હતું, જ્યારે મેમાં ૧૬૨.૫૦ રૂપિયા ભાવ સસ્તો થયો હતો.

દેશની સૌથી મોટી ઑઇલ માર્કેટિંગ કંપની આઇઓસીની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હીમાં સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીમાં હજી પણ ૧૪.૨ કિલોનું સબસિડીવાળું ગૅસ સિલિન્ડર ૫૯૪ રૂપિયામાં મળી રહ્યું છે. મુંબઈમાં પણ સબસિડીવાળા ગૅસ સિલિન્ડરની કિંમત ૫૯૪ રૂપિયા છે, પરંતુ ચેન્નઈમાં આ કિંમત ૬૧૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કલકત્તામાં ૬૨૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

national news