મમતાના અલ્ટિમેટમ છતાં પીછેહઠ નહીં કરે સરકાર

18 September, 2012 06:35 AM IST  | 

મમતાના અલ્ટિમેટમ છતાં પીછેહઠ નહીં કરે સરકાર



ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો અને મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇના નર્ણિયને પગલે વિરોધપક્ષો જ નહીં, સાથીપક્ષો તરફથી પણ ભારે દબાણ હોવા છતાં ગઈ કાલે સરકારે આ બન્ને મુદ્દે પીછેહઠ નહીં કરવાની મક્કમ જાહેરાત કરી હતી. મમતા બૅનરજીએ આ બન્ને ડિસિઝન પાછાં લેવા સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. હવે તેઓ આજે ટેકો પાછો ખેંચવા કે સરકારમાંથી નીકળી જવા બાબતે નર્ણિય લેશે. કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જોકે સરકારને અંદર કે બહારથી કોઈ પણ ખતરો હોવાનો ઇનકાર કરી દીધો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે ૩૦ ઑક્ટોબર સુધી અર્થતંત્રને બેઠું કરવા વધુ મહત્વનાં પગલાં લેવામાં આવશે. યુપીએના સાથીપક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ તથા સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટી અને બીએસપીએ બન્ને ડિસિઝન પાછાં ખેંચવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બન્ને નર્ણિય દેશના હિતમાં હોવાનું સાથીપક્ષોને સમજાવી શકાશે.

સરકારમાંથી બહાર તૃણમૂલ કૉન્ગ્રેસ?

મમતા બૅનરજીએ ડીઝલનો ભાવવધારો અને એફડીઆઇનો નર્ણિય પાછો ખેંચી લેવા માટે સરકારને ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ અલ્ટિમેટમનો ગઈ કાલે અંત આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તૃણમૂલ કૉન્ગ્રેસ સરકારમાંથી બહાર નીકળી જવાનો નર્ણિય લઈ શકે છે. આ વિશે આજે અંતિમ ડિસિઝન લેવામાં આવશે. અગાઉ મમતાએ આ બન્ને નર્ણિય પાછા નહીં ખેંચાય તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેવા સરકારને ચેતવણી આપી હતી. ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા સુલતાન અહેમદે કહ્યું હતું કે સરકારમાંથી બહાર નીકળી જવાનો કે યુપીએને ટેકો પાછો ખેંચવાનો નર્ણિય પણ લેવાઈ શકે છે. મમતા બૅનરજીની પાર્ટીના કુલ છ પ્રધાનો કેન્દ્રીય કૅબિનેટમાં છે.

સંસદનું સત્ર બોલાવો : બીજેપી

બીજેપીએ ગઈ કાલે રીટેલમાં એફડીઆઇના મુદ્દે ચર્ચા માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. બીજેપીએ ડીઝલના ભાવવધારા તથા એફડીઆઇના મુદ્દે ૨૦ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ગઈ કાલે પાર્ટીએ વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરી હતી. બીજેપીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ એફડીઆઇનો નર્ણિય પાછો ખેંચી લેવા અપીલ કરવાનો નર્ણિય કર્યો છે. ૨૦ સપ્ટેમ્બરે બીજેપી ઉપરાંત સમાજવાદી પાર્ટી તથા ડાબેરી પક્ષો સહિતની પાર્ટીઓ પણ દેશભરમાં દેખાવો કરશે.

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી