રાષ્ટ્રપતિએ સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધીનાં કર્યા વખાણ

01 February, 2017 05:15 AM IST  | 

રાષ્ટ્રપતિએ સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધીનાં કર્યા વખાણ




નોટબંધી અને અંકુશરેખા પારના વિસ્તારોમાં સર્જિકલ સ્ટ્રાઇકને રાષ્ટ્રહિતમાં લેવાયેલા બહાદુરીભર્યા નિર્ણયો ગણાવતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણી વારાફરતી યોજવાની અને નાણાંની તાકાતને ખતમ કરવા માટે ચૂંટણીફન્ડ બાબતે સર્જનાત્મક ચર્ચાની તરફેણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આતંકવાદના ગંભીર પડકારનો સામનો કરવા અને આતંકવાદી કૃત્યોના કરવૈયાઓને સજા અપાવવા કટિબદ્ધ છે.

બજેટસત્રના પ્રારંભ નિમિત્તે સંસદનાં બન્ને ગૃહોને કરેલા સંયુક્ત સંબોધનમાં રાષ્ટ્રપતિએ હાઉસિંગ, રાંધણગૅસનાં કનેક્શન્સ, વીજળીકરણ, આરોગ્ય-સંભાળ, શિક્ષણ, ખેડૂત-કલ્યાણ, દિવ્યાંગોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ જેવાં ક્ષેત્રો માટેની સંખ્યાબંધ સરકારી યોજનાઓ તથા પગલાંઓની વાત કરી હતી.

બ્લૅક મની તથા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં નોટબંધી અને અંકુશરેખા પારના વિસ્તારોમાં સર્જિકલ સ્ટ્રાઇકને રાષ્ટ્રપતિએ બહાદુરીભર્યા નિર્ણયો ગણાવ્યા ત્યારે શાસક યુતિના સભ્યોએ બેન્ચો થપથપાવી હતી.

રાષ્ટ્રપતિના સંબોધન વખતે મુસ્લિમ લીગના સંસદસભ્યને કાર્ડિઍક અરેસ્ટ


મુસ્લિમ લીગના નેતા અને લોકસભાના સભ્ય તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઈ. અહમદને ગઈ કાલે સંસદભવનમાં કાર્ડિઍક અરેસ્ટ આવવાને કારણે તાત્કાલિક રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંસદના બજેટસત્રના આરંભમાં સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિના સંબોધન દરમ્યાન ૭૮ વર્ષના ઈ. અહમદને હૃદયની વ્યાધિ થતાં તાત્કાલિક સંસદભવનના સ્ટાફે ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.