પ્રણવ મુખરજીએ આમ આદમી માટે ખોલ્યા રાષ્ટ્રપતિભવનના દરવાજા

09 December, 2012 08:09 AM IST  | 

પ્રણવ મુખરજીએ આમ આદમી માટે ખોલ્યા રાષ્ટ્રપતિભવનના દરવાજા



રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સૂચના બાદ રાષ્ટ્રપતિભવનના દરવાજા આમ આદમી માટે ખોલવામાં આવ્યા છે. હવેથી દર શનિવારે થતી પરંપરાગત ચેન્જ ઑફ ગાર્ડ સેરેમની સામાન્ય માણસો પણ જોઈ શકશે. દર અઠવાડિયે ૨૦૦ જેટલા લોકોને આ સેરેમનીમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. રાષ્ટ્રપતિના પ્રેસ-સચિવ વેણુ રાજામોનીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિભવનમાં નાગરિકોને પણ પ્રવેશ આપવાની સૂચના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જાતે આપી હતી. આ સંદર્ભમાં અમે ચેન્જ ઑફ ગાર્ડ સેરેમની પરનાં તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિનું માનવું છે કે આ સ્થળ (રાષ્ટ્રપતિભવન)ના દરવાજા નાગરિકો માટે ખુલ્લા હોવા જોઈએ.’

શિયાળાની સીઝનમાં દર શનિવારે સવારે ૧૦ વાગ્યે આ સેરેમની શરૂ થાય છે, જે ૩૦ મિનિટ સુધી ચાલે છે. સેરેમની દરમ્યાન પ્રેસિડન્ટ્સ બૉડીગાડ્ર્‍સ (પીબીજી)ના જવાનો ઘોડા પર સવાર થઈને આવે છે. તેમની આગળ પીબીજીનું બૅન્ડ પણ હોય છે. આ બૅન્ડના સભ્યો સંગીતકાર એ. આર. રહમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું ‘માં તુઝે સલામ’ના સૂર રેલાવશે. આ સાથે બૅન્ડ ‘સારે જહાં સે અચ્છા’ જેવાં દેશભક્તિનાં કેટલાંક જાણીતાં ગીતો પણ રજૂ કરશે. જૂના ગાર્ડ્સનું સ્થાન નવા ગાર્ડ્સ લે એ માટે આ સેરેમની યોજાય છે.