રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું પદ્મ પુરસ્કારોનું વિતરણ, છ લોકો પદ્મ વિભૂષણથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી

22 March, 2023 09:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય-શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવી પ્રવૃત્તિઓના વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં આપવામાં આવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2023 સમારોહ દરમિયાન ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત કર્યો. તસવીર સૌજન્ય: પીટીઆઈ

બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો (Padma Awards)નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu)એ તમામ મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી અને બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં એવૉર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિએ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં સન્માનો એનાયત કર્યાં. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય-શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવી પ્રવૃત્તિઓના વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

આ વર્ષે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી હતી, જેમાં ત્રણ યુગલ પણ સામેલ છે. આ યાદીમાં છ પદ્મ વિભૂષણ, નવ પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. એવૉર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. યાદીમાં વિદેશીઓ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાંથી 2 વ્યક્તિઓ અને સાત મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

જુઓ સંપૂર્ણ યાદી

પદ્મ વિભૂષણ 2023

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે `પદ્મ વિભૂષણ` એનાયત કરવામાં આવે છે. છ પદ્મ વિભૂષણ પુરસ્કારોમાંથી ત્રણ મરણોત્તર એવૉર્ડ હતાં, જેમાં બાલકૃષ્ણ દોશી (વાસ્તુશાસ્ત્ર), મુલાયમ સિંહ યાદવ (જાહેર બાબતો) અને દિલીપ મહલનાબીસ (મેડિકલ)નો સમાવેશ થાય છે. અન્ય પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તાઓમાં ઝાકિર હુસૈન (કલા), એસએમ કૃષ્ણા (જાહેર બાબતો) અને શ્રીનિવાસ વર્ધન (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ) હતા.

national news droupadi murmu padma vibhushan padma bhushan padma shri