પ્રી - બજેટ સ્પેશ્યલ : અંદાજપત્રમાં એસઈઝેડ્સને સ્થાનિક બજારમાં વેચાણની છૂટ સહિત ચોક્કસ રાહતોની આશા

26 January, 2022 10:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એસઈઝેડ માટે નવો કાયદો બનાવ્યો છે, જેમાં એસઈઝેડ સ્થાનિક બજારમાં નીચી જકાતે પોતાના માલનું વેચાણ કરી શકશે

ફાઇલ તસવીર

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં સરકાર સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન્સ (એસઈઝેડ) સંબંધિત નવો ધારો લાવે એવી સંભાવના છે, જે હેઠળ સરકાર એસઈઝેડને વૈશ્વિક ધોરણો અનુસારનાં વિકાસ એન્જિનોમાં તબદિલ કરવા માગે છે.
સરકારી અધિકારીઓના મતે વર્તમાન એસઈઝેડને અપાતી સબસિડીઓ અને લેવાતાં પ્રતિશોધક પગલાંને કારણે ભારતે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનમાં અમેરિકા સાથેના એક વિવાદમાં હાર સહેવી પડી હતી એટલે એસઈઝેડ કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા સર્જાઈ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એસઈઝેડ માટે નવો કાયદો બનાવ્યો છે, જેમાં એસઈઝેડ સ્થાનિક બજારમાં નીચી જકાતે પોતાના માલનું વેચાણ કરી શકશે, જેનાથી ખોટ કરતા એસઈઝેડ એકમો સરળતાથી નિર્ગમન કરી શકશે અને ભારતીય ચલણમાં ચુકવણી પણ સ્વીકારી શકશે.
અમે બધા મુદ્દા ધ્યાનમાં લઈ રહ્યા છીએ, કદાચ અમે આખો કાયદો જ બદલી નાખીએ, કારણ કે એસઈઝેડના વર્તમાન કાયદા વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના રૂલ્સનો ભંગ કરે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. 
ખાલી જમીનોનો ઉપાય
દેશના ૨૫૦ એસઈઝેડમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની ૧૦ કરોડ ચોરસફુટ જગ્યાઓ ખાલી પડેલી છે. એને છૂટી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મંત્રાલય વર્તમાન એસઈઝેડની માન્યતા સમાપ્ત કરવાના માર્ગો વિચારી રહ્યું છે જેથી જે વિસ્તારોમાં માગ નથી એને ઉદ્યોગિકીકરણ અને રોજગારી સર્જન માટે અથવા અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાય.
સરકાર એસઈઝેડ યુનિટ્સ માટે વિદેશી હૂંડિયામણ સંબંધિત જોગવાઈ રદ કરશે અને એને સ્થાને સંશોધન અને વિકાસ સંબંધિત મૂડીરોકાણ, નાવીન્ય અને રોજગારી સર્જન અંગેની ભૂમિકા દાખલ કરશે.
એસઈઝેડ માટેની પ્રાથમિક આવશ્યકતા વિદેશી હૂંડિયામણની ચોખ્ખી આવક અંગેની છે એને સ્થાને વાણિજ્ય વિભાગે પાત્રતા સંબંધિત નવી ભૂમિકાનું સૂચન કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં એસઈઝેડમાંથી થતી નિકાસ નાણાકીય વર્ષ ૨૦૨૦ના ૧૧૨.૩ અબજ ડૉલરથી ઘટીને ૧૦૨.૩ અબજ ડૉલરની થઈ છે.
ટૅક્સ હૉલિડે કોને મળે
સરકારે એવી જોગવાઈ દાખલ કરી કે જે એકમોએ ૨૦૨૦ની ૩૦ જૂને કે એ પૂર્વે ઉત્પાદન શરૂ કર્યું હશે માત્ર તેમને ૧૫ વર્ષ માટેનો તબક્કા વાર ટૅક્સ હૉલિડે આપવામાં આવશે. આ જોગવાઈ બાદ એસઈઝેડ ઍક્ટમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાઈ હતી. નાણામંત્રાલય વેરહાઉસ સ્કીમમાં તેમનાં ઉત્પાદન અને અન્ય કામગીરીનો સમાવેશ કરવા આતુર છે અને એ એસઈઝેડ ઍક્ટ સાથે ટકરાય છે એ બાબત પર વિચારણા થઈ રહી છે, એમ અન્ય એક અધિકારીએ કહ્યું હતું.
એસઈઝેડ માટે ઘણું 
કરવાની જરૂર
૨૦૧૯માં ભારત ફોર્જના ચૅરમૅન બાબા કલ્યાણીની વડપણ હેઠળની કમિટીએ સૂચન કર્યું હતું કે એસઈઝેડને કાર્યક્ષમ પરિવહન માળખા અને અવિરત વીજ અને પાણીપુરવઠો ઉપલબ્ધ કરી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિના મથક બનાવવા જોઈએ. વિવાદોના ઝડપી ઉકેલ માટે આર્બિટ્રેશન, એસઈઝેડના પ્રોસેસિંગ સિવાયના વિસ્તારમાં ડબલ ઉપયોગ માટેનાં ધોરણોને હળવા બનાવવાનાં, ટૅક્સ હૉલિડેની જોગવાઈનો વિસ્તાર, પ્રક્રિયાઓનું સરળીકરણ, સર્વિસિસ સેક્ટરને વેરારાહતો અને એમએસએમઈ સ્કીમ્સ આ ઝોન્સને પૂરાં પાડવાનાં સૂચનો કમિટીએ કર્યાં હતાં.

national news finance ministry