પ્રતિભા પાટીલ ૩૪૦માંથી ૪ રૂમના ઘરમાં થશે શિફ્ટ

24 July, 2012 06:00 AM IST  | 

પ્રતિભા પાટીલ ૩૪૦માંથી ૪ રૂમના ઘરમાં થશે શિફ્ટ

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો આજે નવી દિલ્હીના ૩૪૦ રૂમના વિશાળ રાષ્ટ્રપતિભવનમાં છેલ્લો દિવસ છે ત્યારે પુણેમાં તેમનું રિટાયરમેન્ટ હોમ હજી તૈયાર નહીં થયું હોવાથી તેમને થોડા દિવસો માટે બીજા બંગલામાં રહેવા માટે જવું પડશે. પ્રતિભા પાટીલને નવી દિલ્હીની તુગલક લેન પર આવેલો ચાર રૂમનો બીજા નંબરનો બંગલો કામચલાઉ ધોરણે ફાળવવામાં આવ્યો છે.

પ્રતિભા પાટીલને પુણેમાં જે ઘર ફાળવવામાં આવ્યું છે એ હાલ નિવૃત્ત પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ પી. પી. શર્માના કબજામાં છે. પુણેના કલેક્ટર વિકાસ દેશમુખે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ બંગલો રાષ્ટ્રપતિ માટે તૈયાર કરી દેવાનો આદેશ આપતાં તેને રિનોવેટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ કામ જોકે હજી પણ પૂરું થયું નથી. દેશમુખે કહ્યું હતું કે શર્મા થોડા દિવસોમાં આ બંગલો ખાલી કરી દેશે એ પછી એ પ્રતિભા પાટીલને સોંપી દેવામાં આવશે. આ બંગલો એક એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અગાઉ પ્રતિભા પાટીલને ડિફેન્સ ર્ફોસની માલિકીનો પાંચ એકરનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, જો કે વિવાદ પેદા થતા આ ફાળવણી કેન્સલ કરવામાં આવી હતી.

પ્રતિભા પાટીલના છેલ્લા વક્તવ્યમાં અનેક સંસદસભ્યોની ગુલ્લી

રાષ્ટ્રપતિ તરીકેના છેલ્લા દિવસે આજે પ્રતિભા પાટીલ દેશવ્યાપી સંબોધન કરશે. ગઈ કાલે તેમણે સંસદનાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. જોકે મોટી સંખ્યામાં સંસદસભ્યોએ રાષ્ટ્રપતિના છેલ્લા સંબોધનમાં ગાપચી મારી હતી. વિરોધ પક્ષ અને સત્તા પક્ષના અનેક સંસદસભ્યો ગેરહાજર હોવાથી ગૃહની છેલ્લી પાટલીઓ પર સંસદભવનના સ્ટાફને બેસાડી દેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ બનેલા પિતાને પુત્રની રિક્વેસ્ટ

દેશના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા પ્રણવ મુખરજીને તેમના પુત્ર અભિજિતે પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીયોને મુક્ત કરાવવાની અપીલ કરી હતી. અભિજિતે કહ્યું હતું કે એક નાગરિક તરીકે હું તેમને વિનંતી કરીશ કે પાકિસ્તાનની જેલોમાં સબડી રહેલા સરબજિતસિંહ જેવા ભારતીય કેદીઓને મુક્ત કરાવવા માટે તેઓ પ્રયાસ કરે. પશ્ચિમ બંગના વિધાનસભ્ય એવા અભિજિતે કહ્યું હતું કે મારું અંગતપણે એવું માનવું છે કે રાષ્ટ્રપતિ તરીકે તેમનું પહેલું કામ આ હોવું જોઈએ.