પ્રશાંત ભૂષણને તેમની ચેમ્બરમાં જ ઢીબી કાઢ્યા : એકની ધરપકડ

13 October, 2011 09:02 PM IST  | 

પ્રશાંત ભૂષણને તેમની ચેમ્બરમાં જ ઢીબી કાઢ્યા : એકની ધરપકડ

 

 

ઍડ્વોકેટની કાશ્મીર પરની કમેન્ટ સામેનો આક્રોશ જમણેરી જૂથે કાઢ્યો

૨૪ વર્ષનો ઇન્દર વર્મા અને બીજા બે સાથીદારો ન્યુ લૉયર્સ ચેમ્બર નંબર ૩૦૧માં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો અને ‘કાશ્મીર, કાશ્મીર’ એમ બૂમો પાડી હતી. પ્રશાંત એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. પ્રશાંતના અસિસ્ટન્ટો અને ક્લર્કોને પણ હુમલાખોરોએ માર્યા હતા.

હુમલાખોરની પીટાઈ


અમુક લોકોએ એક હુમલાખોર ઇન્દરને પકડી લીધો હતો, પરંતુ બીજા બે નાસી છૂટ્યા હતા. લોકોએ ઇન્દરને માર માર્યો હતો. ભૂષણે આની પાછળ શ્રી રામ સેને હોવાનું કહ્યું હતું, પરંતુ તેમણે

એક હુમલાખોર સિખ હોવાની પણ માહિતી આપી હતી. તાજીન્દર પાલ સિંહ બગ્ગાએ ‘ભગત સિંહ ક્રાન્તિ સેના’ના પ્રેસિડન્ટ હોવાનો દાવો કરીને હુમલાની જવાબદારી લીધી છે.

ચોમેર ટીકા

કેન્દ્રના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ અને રાજકીય પક્ષોએ પ્રશાંત ભૂષણ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે મેં દિલ્હી પોલીસ-કમિશનરને બીજા હુમલાખોરોને ઝડપથી પકડી લેવાની સૂચના આપી છે.

હૉસ્પિટલમાં ચેક-અપ

૫૫ વર્ષના ભૂષણને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચેક-અપ બાદ રજા આપવામાં આવી હતી. નોઇડાના પોતાના ઘરે ગયા બાદ પ્રશાંત ભૂષણે શ્રી રામ સેને જેવા ગુંડાગીરી

કરતાં સંગઠનો પર બૅન મૂકવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે હુમલાખોરો સામે કાનૂની પગલાં લેવામાં આવશે. તેમણે પોતાના ટેકેદારોને વેરની વસૂલાતમાં ન પડવાની સલાહ આપી હતી. જોકે તેમણે કાશ્મીર વિશે પોતાનું વલણ કહ્યું નહોતું.

કાયદો હાથમાં ન લો : અણ્ણા

પોતાના નિકટના સહયોગી પ્રશાંત ભૂષણ પર થયેલા હુમલાની ટીકા કરતાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘હું પ્રશાંત ભૂષણ પરના હુમલાની નિંદા કરું છું. યુવાનોને કોઈ બાબત સામે વિરોધ હોય તો તેમણે કાયદાને હાથમાં ન લેવો જોઈએ. મારી ટીમના માણસોને સુરક્ષા આપવી જોઈએ.’