પ્રણવે 2જી મામલે વડા પ્રધાનને પત્ર લખ્યો

29 September, 2011 07:11 PM IST  | 

પ્રણવે 2જી મામલે વડા પ્રધાનને પત્ર લખ્યો

 

મોડી રાત્રે કૉન્ગ્રેસના ટોચના નેતાઓ અને ફાઇનૅન્સ મિનિસ્ટર વચ્ચે બેઠક

તાજેતરમાં જ ફાઇનૅન્સ મિનિસ્ટ્રીની એક નોંધ જાહેર થઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો તત્કાલીન ફાઇનૅન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે સ્પેક્ટ્રમના ભાવ નક્કી કરવાને બદલે એની હરાજી કરી હોત તો આ કૌભાંડ અટકાવી શકાયું હોત. આ નોટને લીધે થયેલા ભારે વિવાદ વચ્ચે ફાઇનૅન્સ મિનિસ્ટરે ગઈ કાલે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો.

પ્રણવ મુખરજીને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કશું પણ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો. બીજેપીના ઉપાધ્યક્ષ વિનય કટિયારે ગઈ કાલે કહ્યું હતું કે ‘યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે વડા પ્રઘાન મનમોહન સિંહ મેદાને પડ્યા છે. તેઓ તેમના પ્રધાનોને અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બચાવી રહ્યા છે, પરંતુ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ ટૂંક સમયમાં તેમના સુધી પહોંચશે. આગામી દિવસોમાં ર્કોટ ભ્રષ્ટાચારીઓને પકડીને જેલભેગા કરશે.’ મોડી રાત્રે કૉન્ગ્રેસના ટોચના નેતાઓ અને ફાઇનૅન્સ મિનિસ્ટર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં આ વિવાદનો અંત લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સીબીઆઇ મારન સામે એફઆઇઆર દાખલ કરશે

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે ભૂતપૂર્વ ટેલિકૉમપ્રધાન દયાનિધિ મારન સામે બે દિવસમાં એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરશે, જેમાં તેમની સામે ઍરસેલ કંપનીની અકારણ તરફેણ કરવા સહિતના જુદા-જુદા આરોપો મૂકવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ગઈ કાલે કહ્યું હતું કે મારન ઉપરાંત એસ્સાર ગ્રુપ સામે તપાસ ચાલી રહી છે અને એ પૂરી થવામાં હજી પંદર દિવસનો સમય લાગશે.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સમક્ષ જમા કરાવવામાં નિષ્ફળ નીવડેલી સીબીઆઇના વકીલ કે. કે. વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને મારન સહિત જુદા-જુદા આરોપીઓ સામે તેઓ બે દિવસમાં એફઆઇઆર દાખલ કરશે.