ગુજરાતી મિનિસ્ટર પ્રકાશ મહેતા સરકારી બંગલામાં રહેવા નહીં જાય?

01 November, 2014 06:24 AM IST  | 

ગુજરાતી મિનિસ્ટર પ્રકાશ મહેતા સરકારી બંગલામાં રહેવા નહીં જાય?

રોહિત પરીખ

ઘાટકોપરમાંથી સતત છઠ્ઠી વાર BJPના વિધાનસભ્ય બનનારા પ્રકાશ મહેતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કૅબિનેટ મિનિસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું હતું. અત્યારે મહારાષ્ટ્રની BJPની મિનિસ્ટ્રીમાં તેઓ એકમાત્ર ગુજરાતી મિનિસ્ટર છે. ઘાટકોપર પોતાની કર્મભૂમિ અને ગોકળિયું છે અને તેઓ ઘાટકોપર છોડીને ક્યાંય નહીં જાય એવું વષોર્થી કહેનારા પ્રકાશ મહેતા મિનિસ્ટર બનવા છતાં ઘાટકોપર (ઈસ્ટ)ના તેમના નિવાસસ્થાન કુકરેજા પૅલેસમાં જ રહેશે કે સરકારી બગલામાં જશે? અગાઉ મિનિસ્ટર બન્યા ત્યારે તેઓ સરકારી બંગલામાં જવાને બદલે ઘાટકોપરમાં જ રહ્યા હતા.
આમ તો મિનિસ્ટરો મલબાર હિલ અથવા નરીમાન પૉઇન્ટ પર મંત્રાલયની સામે આવેલા સરકારી બંગલામાં રહેવા જતા હોય છે, પણ પ્રકાશ મહેતા આ બંગલામાં રહેવા જશે નહીં. અગાઉ ૧૯૯૦માં મહારાષ્ટ્રમાં BJPની અને શિવસેનાની સરકાર હતી ત્યારે પણ તેઓ પાલક પ્રધાન હોવા છતાં ઘાટકોપરમાં જ રહ્યા હતા. એ સમયે તેમના પર સરકારી બંગલામાં રહેવા જવા માટે ખૂબ જ દબાણ થયું હતું, પણ તેઓ ઘાટકોપર છોડવા તૈયાર થયા નહોતા.
તાજેતરના લોકસભાના ઇલેક્શન સમયે પ્રકાશ મહેતાને ઈશાન મુંબઈમાંથી ટિકિટ મળશે એવી અમુક અખબારોએ વાતો ચર્ચામાં મૂકી હતી. એ જ સમયે પ્રકાશ મહેતાએ ‘મિડ-ડે’ને લેખિતમાં આપ્યું હતું કે ઘાટકોપર મારી કર્મભૂમિ અને મારું ગોકળિયું છે અને એ છોડીને હું ક્યાંય જવાનો નથી. મને લોકસભાનું ઇલેક્શન લડવામાં કોઈ રસ નથી એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. એ સમયે પણ તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મને ભવિષ્યમાં પણ કૅબિનેટ મિનિસ્ટ્રીમાં સ્થાન મળશે તો પણ હું ઘાટકોપર છોડીશ નહીં.
તેમણે આ સંદર્ભમાં આપેલી મુલાકાતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સતત જીત પાછળ ઘાટકોપરની પ્રજાનો મારા પર રહેલો વિશ્વાસ છે. મિની કાઠિયાવાડ, મિની કચ્છ કે મિની ગુજરાત ગણાતું ઘાટકોપર મારી કર્મભૂમિ અને મારું ગોકળિયું છે. હું ત્યાં રહીને જ મારાં સામાજિક અને સરકારી કાયોર્ને ન્યાય આપીશ.’
જોકે ગઈ કાલે આ બાબતમાં તેમનો જવાબ મેળવવા ‘મિડ-ડે’એ અનેક રીતે સંપર્ક કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો એટલે તેમનો નવો નર્ણિય જાણી શકાયો નહોતો.

પ્રકાશ મહેતાની રાજકીય કારકર્દિી


પ્રકાશ મહેતાએ જનતા પાર્ટી સમયે જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ બનીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ BJPના મુંબઈ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા તથા ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલમાં ફક્ત લ્લ્ઘ્ સુધી ભણેલા પ્રકાશ મહેતા પહેલેથી જ BJPના દિગ્ગજ નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. દિવંગત નેતા પ્રમોદ મહાજન હોય કે ગોપીનાથ મુંડે, બધા સાથે તેમને ઘરોબો રહ્યો હતો. અમિત શાહ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ પહેલાંથી જ તેમની સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. તેઓ ઘાટકોપરમાં સતત છઠ્ઠી વાર જીતશે અને તેમને BJPની મહારાષ્ટ્ર સરકારમાં ઉચ્ચ સ્થાન મળશે એવી આગાહી BJPના અનેક રાષ્ટ્રીય નેતાઓ તેમના પ્રચારની શરૂઆતમાં જ કરી ચૂક્યા હતા.

મરાઠીમાં લીધા શપથ

પ્રકાશ મહેતાએ કૅબિનટ મિનિસ્ટર તરીકેની શપથવિધિ મરાઠીમાં કરી હતી.