પ્રકાશ જાવડેકરના બે માર્ક તેમની જ ટીચર મમ્મીએ શા માટે કાપ્યા હતા?

14 July, 2016 06:51 AM IST  | 

પ્રકાશ જાવડેકરના બે માર્ક તેમની જ ટીચર મમ્મીએ શા માટે કાપ્યા હતા?


નવી દિલ્હીમાં યોજાયેલા શિક્ષણનીતિ વિશેના એક કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે તેઓ ફોર્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની ટીચર મમ્મીએ બે માર્ક કાપી લીધા હતા.

બાળપણની એ ઘટનાને સંભારતાં જાવડેકરે કહ્યું હતું કે ‘હું એક પ્રાથમિક શિક્ષિકાનો દીકરો છું. જે સ્કૂલમાં મારી મમ્મી ટીચર હતી એ સ્કૂલમાં જ હું અભ્યાસ કરતો હતો. ચોથા ધોરણની મારી પરીક્ષાનું પેપર મારી જ મમ્મી પાસે ચેક કરવા માટે આવ્યું હતું. મમ્મીએ પેપર તો ચેક કરી નાખ્યું, પણ મને કેટલા માર્ક મળ્યા છે એ જણાવ્યું નહોતું. એ પછીના દિવસે સ્કૂલમાં ચેક થયેલું પેપર મારા હાથમાં આવ્યું તો એમાં બે માર્ક ઓછા હતા. ઘરે જઈને હું મારી મમ્મી સાથે બહુ ઝઘડ્યો અને પૂછ્યું કે મેં બધા જવાબ આપ્યા હતા તો પણ મારા માર્ક કેમ કાપ્યા? મમ્મીએ બહુ ભાવુક થઈને જે જવાબ આપ્યો એ પછી મારી પાસે કોઈ સવાલ રહ્યો નહોતો. મમ્મીએ કહેલું કે તું મારો દીકરો છેને એટલે મેં તારા બે માર્ક કાપ્યા હતા. ટીચર પોતાના દીકરાને વધારે માર્ક આપે એવું આળ કોઈ ન મૂકે એટલા માટે મેં તારા બે માર્ક કાપ્યા હતા.’