ચીન બૉર્ડર પર ભારતની ‘નારી શક્તિ’નો પાવર

28 September, 2022 01:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવરાત્રિના શક્તિપૂજાના આ પર્વમાં ભારતની બહાદુર દીકરીઓને સલામ, જેઓ ચીનની બૉર્ડર પર ફાઇટર જેટ્સ અને હેલિકૉપ્ટર ઉડાડે છે

સુખોઇ ૩૦ કાફલા માટે ઇન્ડિયન ઍર ફોર્સની પહેલી ફીમેલ વેપન સિસ્ટમ ઑપરેટર તેજસ્વી રંગા રાવ (જમણે) ફાઇટર જેટ પાઇલટ્સ સાથે.


નવી દિલ્હીઃ દુનિયાની સૌથી વધુ ઊંચાઈએ આવેલી રણભૂમિ સિયાચિન હોય કે પછી અરુણાચલ પ્રદેશનો જોખમી પહાડી વિસ્તાર વિજયનગર, ઇન્ડિયન ઍર ફોર્સની મહિલા પાઇલટ્સ પોતાની શક્તિથી દેશનું ગૌરવ વધારી રહી છે.  
સુખોઇ સુ-૩૦એમકેઆઇ ફાઇટર જેટની પહેલી ફીમેલ વેપન સિસ્ટમ ઑપરેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ તેજસ્વીએ કહ્યું હતું કે ‘આપણી આર્મીમાં એકથી એક ચડિયાતી ઇન્ટેલિજન્ટ મહિલાઓ છે. જેઓ પોતાનાં સપનાંને સાકાર કરી રહી છે. તેમનામાં દેશ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના છે. ટૂંક સમયમાં ફાઇટર જેટ ફ્લીટમાં મહિલાઓ પણ જોવા મળશે. પુરુષો અને મહિલાઓની ટ્રેનિંગ એક જેવી જ હોય છે, પછી એ આકાશમાં હોય કે જમીન પર કોઈ પણ બેઝ પર.’
ઇન્ડિયન ઍર ફોર્સે ત્રણ યુવતીઓને ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરી હતી, જેમાં અવની ચતુર્વેદી, ભાવના કાંત અને શિવાંગી સિંહનો સમાવેશ થાય છે. બાદમાં કાંતે મિગ-૨૧ને એકલાં ઉડાવીને નામના મેળવી હતી. શિવાંગી સિંહ રાફેલ ફાઇટર જેટની પાઇલટ બની ગઈ. 
કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સિસમાં સ્ત્રીશક્તિને પ્રોત્સાહન આપવા માગે છે. અગ્નિવીર યોજના હેઠળ પણ મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ તેજસ્વીએ કહ્યું હતું કે ‘ઇન્ડિયન ઍર ફોર્સમાં દરેક પાઇલટ કોઈને કોઈ ઑપરેશનને પાર પાડવા માટે ટ્રેઇન્ડ હોય છે. અમે પૂર્વોત્તર વિસ્તારમાં દેખરેખ રાખીએ છીએ.’ 
તેજસ્વી સુ-૩૦એમકેઆઇ ફાઇટર જેટની કૉકપિટમાં પાછળની બાજુ બેસે છે. તે ત્યાંથી જેટનાં સેન્સર્સ અને હથિયારોની પૅનલને ઑપરેટ કરે છે.

national news china