દિલ્હીના રસ્તાઓ પર બીજેપી અને આમ આદમી પાર્ટીની વચ્ચે પોસ્ટર-વૉર

12 June, 2023 10:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજેપીએ કેજરીવાલની પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર સરમુખત્યારશાહીનો આરોપ મૂકીને મહા રૅલી યોજી

બીજેપીએ આમ આદમી પાર્ટીના પોસ્ટરની નજીક જ એનાથી મોટાં પ્લૅકાર્ડ લગાવ્યાં હતાં.

નવી દિલ્હીના માર્ગો પર વધુ એક વખત આમ આદમી પાર્ટી અને બીજેપીની વિરુદ્ધની લડાઈ જોવા મળી હતી. દિલ્હીમાં રામલીલા મેદાનમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પર કન્ટ્રોલને મામલે કેન્દ્ર સરકારના વટહુકમની વિરુદ્ધ આમ આદમી પાર્ટીની મહારૅલી યોજાઈ તો એની સાથે જ બીજેપીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ઑનલાઇન અને ઑફલાઇન ‘પોસ્ટર અટૅક’ શરૂ કરી દીધો હતો. 

કેજરીવાલની વિરુદ્ધ ઑનલાઇન પોસ્ટર સિવાય દિલ્હીના માર્ગો પર રૅલી માટેનાં આમ આદમી પાર્ટીનાં પોસ્ટર્સની બાજુમાં જ અનેક પ્લેકાર્ડ્સ પણ મૂકવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના પોસ્ટરમાં લખાણ છે કે ‘કેન્દ્ર સરકારની સરમુખત્યારશાહીની વિરુદ્ધ મેગા રૅલી’. એની બાજુમાં જ બીજેપીના એનાથી મોટાં પ્લેકાર્ડ પર લખાણ છે કે ‘કેજરીવાલના ઘરના રિનોવેશન માટે ૪૫ કરોડ રૂપિયા. જવાબ આપો. આ રૂપિયા મારા ટૅક્સના છે.’

નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીની મહા રૅલીને સંબોધતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ. તસવીર પી.ટી.આઇ.

દરમ્યાન કેજરીવાલે ગઈ કાલે કેન્દ્ર સરકારના વટહુકમની ટીકા કરતાં જણાવ્યું હતું કે સૌપ્રથમ દિલ્હી પર અટૅક કરવામાં આવ્યો છે અને આવા જ વટહુકમો અન્ય રાજ્યો માટે પણ લાવવામાં આવશે. રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટીની ‘મહા રૅલી’ને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારનો વટહુકમ દિલ્હીના લોકોનું અપમાન છે. વટહુકમ કહે છે કે દિલ્હીમાં કોઈ લોકશાહી નહીં રહે. દિલ્હીમાં સરમુખત્યારશાહી રહેશે અને ઉપરાજ્યપાલ સુપ્રીમ છે. લોકો ઇચ્છે એને વોટ આપે, પરંતુ કેન્દ્ર સરકાર દિલ્હીને ચલાવશે. હું આખા દેશમાં ફર્યો છું અને હું દિલ્હીના લોકોને ખાતરી આપવા ઇચ્છું છું કે તેઓ એકલા નથી. ભારતના ૧૪૦ કરોડ લોકો તેમની સાથે છે.’

આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દર જૈનની ધરપકડ વિશે તેમણે જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં કામગીરી અટકાવવાના હેતુસર તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે અમારી પાસે ૧૦૦ સિસોદિયા અને ૧૦૦ જૈન છે. તેઓ સારી કામગીરીને ચાલુ રાખશે.’

bharatiya janata party aam aadmi party new delhi indian politics arvind kejriwal national news