06 May, 2025 03:26 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ચિનાબ નદીમાં પાણી હવે એટલું ઘટી ગયું છે કે ગઈ કાલે એમાં કેટલાય લોકો ચાલતા જોવા મળ્યા હતા.
પહલગામ આતંકી હુમલાના તુરંત બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ-સંધિને રદ કરી દીધી હતી. ભારત સરકારના આ પગલાથી પાકિસ્તાન લાલઘૂમ થઈ ગયું છે. એવામાં હવે ભારત કાશ્મીરના હિમાલયના વિસ્તારમાં જળવિદ્યુત પરિયોજના પર પણ કામ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર હાલની બે જળવિદ્યુત પરિયોજના સલાલ અને બગલિહારનાં જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનું કામ શરૂ કર્યું છે.
એ અંતર્ગત ભારતની સૌથી મોટી હાઇડ્રોપાવર કંપની નૅશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન (NHPC) અને જમ્મુ-કાશ્મીર સરકારે પહેલી મેથી જળાશયોમાં જમા થયેલા કાંપને દૂર કરવા માટે ફ્લશિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે આ પ્રક્રિયાથી પાકિસ્તાનને પૂરું પાડવામાં આવતા પાણી પર તાત્કાલિક અસર નહીં થાય, પરંતુ અન્ય પરિયોજનાને અસર કરશે. હિમાલયી ક્ષેત્રમાં આવી ડઝનથી વધારે પરિયોજના છે. બીજી તરફ ભારત હવે વધુમાં વધુ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને ટર્બાઇનને નષ્ટ થવાથી બચાવી શકાશે.